જામનગર ખાતે યોજાયેલ આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લા પંચાયતની ટીમ ચેમ્પિયન બની
(ટીમનાં કેપ્ટન ભાવેશ પટેલ તથા કોચ કિરીટભાઈ પટેલની મહેનત રંગ લાવી)
જામનગર, 33 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ જામનગર ખાતે યોજવામાં આવી હતી. જે ટુર્નામેન્ટમાં સુરત જિલ્લા પંચાયતની ટીમ ભાવેશ પટેલની કેપ્ટનશીપમાં ચેમ્પિયન થવા પામી હતી.
સદર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમ અને આણંદ જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં ટોસ જીતીને આણંદની ટીમે પ્રથમ બેટિંગ લીધી હતી. સુરત જિલ્લા પંચાયતની ટીમે ભાવેશ પટેલની સૂઝબૂઝભરી કેપ્ટનશીપનાં પ્રભાવથી ચુસ્ત બોલિંગ તથા ફિલ્ડિંગનું પ્રદર્શન કરી આણંદ જિલ્લા પંચાયતની ટીમને 20 ઓવરમાં 120 રનનાં સ્કોર પર સીમિત કરી હતી. આખરે દિલધડક રન ચેસમાં જિલ્લા પંચાયત સુરતનો 5 વિકેટે વિજય થવા પામ્યો હતો.

ફાઈનલ મેચમાં જિલ્લા પંચાયત સુરતનાં ઓલરાઉન્ડર રોહિત ટંડેલે 4 ઓવરમાં 22 રન આપી 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી તથા ટીમને જીતવા 2 ઓવરમાં 13 રનની જરૂર હતી ત્યારે નિર્ણાયક તબક્કે 9 રન ફટકારી મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો હતો. સુરત જિલ્લા પંચાયતનાં આધારભૂત ઓલરાઉન્ડર અલ્પેશ વાંસીયાએ સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 11 વિકેટ ઝડપી તથા ટીમ માટે 5 ઈનિંગમાં 143 મહત્વપૂર્ણ રન બનાવી મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ હાંસલ કર્યો હતો.
સુરત જિલ્લા પંચાયત તરફથી બોલિંગમાં રાકેશ પટેલે સમગ્ર ટુર્નામેન્ટમાં ચુસ્ત બોલિંગ કરી 5 ઈનિંગમાં 10 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું જ્યારે બેટિંગમાં ગિરીશ પટેલે 5 ઇનિંગમાં 195 રન બનાવી ટીમને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપ્યો હતો.
બાહોશ કેપ્ટન ભાવેશ પટેલની સૂઝબૂઝ ભરી કેપ્ટનશીપમાં જિલ્લા પંચાયત સુરત કુલ 5 મી વાર વિજેતા થવા પામેલ છે. ટીમનાં પૂર્વ કપ્તાન અને હાલમાં ટીમ માટે કોચની ભૂમિકા ભજવનાર કિરીટભાઈ પટેલ અગાઉ તેમની કેપ્ટનશીપ હેઠળ જિલ્લા પંચાયત સુરતને 4 વાર ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. આમ, જિલ્લા પંચાયત સુરત ક્રિકેટ ટીમ કુલ 9 વાર રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં વિજેતા થવા પામી છે જે ખૂબજ ગૌરવપ્રદ બાબત છે.
ટીમ સુરતને ચેમ્પિયન થવા બદલ ટીમનાં કોચ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત કચેરી સંલગ્ન કર્મચારીગણે કેપ્ટન ભાવેશ પટેલ સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
