Western Times News

Gujarati News

લિવ-ઈનમાં મહિલાઓ ત્યારે જ સુરક્ષિત જ્યારે તેને પત્ની માનવામાં આવેઃ હાઈકોર્ટ

મદુરાઈ, મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે લિવ-ઈન રિલેશનશીપના મામલામાં એક મહત્વપૂર્ણ અવલોકન રજૂ કર્યું છે. મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓને ત્યારે જ યોગ્ય સુરક્ષા મળી શકે, જ્યારે તેમને પત્નીનો દરજ્જો આપવામાં આવે.

આવા સંબંધોમાં મહિલાઓને લગ્નજીવન જેવી સુરક્ષા મળતી નથી, તેથી મહિલાઓને સંરક્ષણ આપવું કોર્ટની જવાબદારી બને છે.હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના જસ્ટિસ એસ. શ્રીમથીએ એક આરોપીની આગોતરા જામીન અરજી ફગાવતી વખતે આ ટિપ્પણી કરી હતી. આરોપી પર આક્ષેપ છે કે તે અગાઉ મહિલા સાથે લિવ-ઇન રિલેશનશીપમાં હતો અને બાદમાં લગ્નનું ખોટું વચન આપી મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

હાઈકોર્ટે જણાવ્યું કે પુરુષો પહેલાં પોતાને મોર્ડન ગણાવીને લિવ-ઇન રિલેશનશીપમાં રહે છે, પરંતુ જ્યારે સંબંધ બગડે છે ત્યારે મહિલાના ચરિત્ર પર પ્રશ્ન ઊભા કરે છે. કાયદામાં લિવ-ઇન રિલેશનશીપને લઈને સ્પષ્ટ નિયમો ના હોવાથી પુરુષો આવું કરી શકે છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે ભારતમાં ભલે સમાજ લિવ-ઇન રિલેશનશિપને સંપૂર્ણ સ્વીકારી શક્યો ન હોય, પરંતુ હવે આવા સંબંધો સામાન્ય બન્યા છે. પુરુષો સંબંધ દરમિયાન પોતાને આધુનિક માનતા હોય છે, પરંતુ પરિસ્થિતિ બગડતાં જ મહિલાઓને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કે દોષ આપવાનું ટાળતા નથી. આરોપીએ સંબંધમાં આવ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કર્યાે હતો.

પીડિત મહિલાએ જણાવ્યું કે તે અને આરોપી સ્કૂલ સમયથી એકબીજાને ઓળખતા હતા અને પછી બંને સંબંધમાં આવ્યા.બંને ઘરેથી ભાગી ગયા હતા અને લગ્ન કરવાનો નિર્ણય કર્યાે હતો.

પરંતુ મહિલાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી, ત્યારબાદ પોલીસે શોધખોળ કરીને બંનેને ઘરે પરત મોકલ્યા હતા. ત્યારબાદ આરોપી પરીક્ષા આપવાના બહાને લગ્ન ટાળતો રહ્યો. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ પણ રહ્યા. જોકે, બાદમાં સંબંધ તૂટી ગયા અને મહિલાએ છેતરપિંડીના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.