સાયબર ક્રાઈમ નાથવા જરૂરી પોલીસ ફોર્સ, સાધન-સામગ્રીનો અભાવ
અમદાવાદ , સાયબર ક્રાઇમના વધતા જતા ગ્રાફને ધ્યાનમાં રાખીને તેને નાથવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમ છતાં સાયબર એજન્સી અને સાયબર સેન્ટરોમાં જરૂરી પોલીસ ફોર્સનો અભાવ તથા મર્યાદિત સાધન સામગ્રીના કારણે અસરકારક અને ઝડપી કાર્યવાહી કરવામાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે.
રાજ્યના સૌથી મોટા સાયબર સેન્ટરોની હાલત એવી છે કે આશરે ૧૦૦ અરજીઓની તપાસ માટે માત્ર એક કે બે પીએસઆઈની ફાળવણી કરવામાં આવી રહી છે. વધુમાં, જ્યારે કોઈ કેસમાં એકથી વધુ આરોપીઓ ઝડપાય છે ત્યારે તપાસ અધિકારીને તેમની પૂછપરછ અથવા નિવેદન નોંધવાની કામગીરી પણ સમૂહમાં જ કરવી પડે છે.
પરિણામે એક આરોપી દ્વારા આપવામાં આવેલા જવાબો અન્ય આરોપીઓ સરળતાથી સાંભળી શકે છે અને જ્યારે પોતાનો વારો આવે ત્યારે પોલીસને ગોળગોળ જવાબ આપી બચી જવાનો પ્રયાસ કરી શકે છે.ટેકનોલોજીયુક્ત આજના યુગમાં હાર્ડકોર ક્રાઇમની જગ્યાએ હવે સાયબર ક્રાઇમે મહત્ત્વનું સ્થાન લઈ લીધું છે. ભારતમાં દર મિનિટે એક વ્યક્તિ સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યો હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે.
આ પરિસ્થિતિને જોતા આવનારા સમયમાં સાયબર ઠગાઈના કિસ્સાઓમાં ભારે વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સાયબર માફિયાઓ દ્વારા અંદાજે ૩૪થી વધુ વિવિધ પદ્ધતિઓ અપનાવી નાગરિકોને ઠગવામાં આવી રહ્યા છે. સાયબર ગુનેગારો દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠા રહી ગણતરીની મિનિટોમાં લોકોની મહેનત અને પરસેવાની કમાણી લૂંટી લે છે.
આવા સંજોગોમાં નાગરિકોની સલામતી માટે દરેક રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા સાયબર સેલની રચના કરવામાં આવી છે, પરંતુ આ સાયબર સેલોમાં મર્યાદિત સ્ટાફ હોવાના કારણે પીડિતોને પૂરતો ન્યાય મળતો નથી. જેનો સીધો લાભ સાયબર માફિયાઓ ઊઠાવી રહ્યા છે.રાજ્યના સાયબર સેન્ટરોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની પરિસ્થિતિ જોવામાં આવે તો એક જ સેન્ટરમાં નોંધાયેલી આશરે ૧૦૦ સાયબર ઠગાઈની અરજીઓની તપાસનો ભારણ માત્ર એક પીએસઆઈના માથે રહે છે.
આ ઉપરાંત, જ્યારે વધુ સંખ્યામાં આરોપીઓ ઝડપાય છે ત્યારે તેમની અલગ-અલગ રીતે પૂછપરછ કરવા માટે પૂરતી રૂમ વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી. પરિણામે તમામ આરોપીઓની હાજરીમાં જ કોઈ એક આરોપીની પૂછપરછ કરવી પડે છે.આ સ્થિતિનો સીધો ફાયદો અન્ય આરોપીઓને મળી જાય છે, કારણ કે પોલીસને કેવા પ્રકારના જવાબ આપવા અને કયા જવાબ ટાળવા તેની પૂર્વ માહિતી આરોપીઓને મળી જાય છે.
જેના કારણે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી ચૂકેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સાયબર માફિયા સિન્ડિકેટ સુધી પહોંચવામાં પણ સાયબર સેન્ટર અને એજન્સીમાં કાર્યરત પોલીસ માટે અનેક અડચણો ઊભી થઈ રહી છે.SS1MS
