પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરતા ચકચાર
Files Photo
અમદાવાદ, અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલ એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નના માત્ર બે જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ એનઆરઆઈ ટાવરમાં નિવાસ કરતા હતા.
ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યાે કે આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાની સાથે જ રાજેશ્વરી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી. પત્નીને જમીન પર ઢળેલી જોઈ ગભરાયેલા યશરાજે તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ તબીબોએ તપાસતા રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી.
જ્યારે ૧૦૮નો સ્ટાફ કાર્યવાહી પૂર્ણ કરી ઘરની બહાર નીકળ્યો, તે જ ક્ષણે યશરાજે પણ તે જ હથિયાર વડે પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પડોશીઓ અને સોસાયટીના રહીશો કંઈ સમજે તે પહેલા જ એક હસતું-રમતું ઘર માતમ છવાઈ ગયો હતો. હાલમાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ગુનો નોંધીને ઝઘડા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.SS1MS
