ટુ-વ્હીલરમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રની ધરપકડ કરાઈ
અમદાવાદ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે.
પકડાયેલા બંને આરોપીઓ કાલુપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, જેઓ ટુ-વ્હીલર પર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા.વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થવાના છે.
આ બાતમીના આધારે પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ટુ-વ્હીલર પર સવાર સમીમબાનુ ઉર્ફે પપ્પી પઠાણ (ઉં.વ. ૫૪) અને મોમીનખાન પઠાણ (ઉં.વ. ૨૫)ની તપાસ કરતાં તેમની પાસેથી ૨૪૬ ગ્રામ ૮૦૦ મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રુપિયા ૭,૪૦,૦૦૦ થાય છે.પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર મળી કુલ ૭,૭૪,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો તેમને ફતેવાડીની સીરીન અલ્લારખા નામની મહિલાએ આપ્યો હતો. પકડાયેલી આરોપી મહિલા સમીમબાનુ અગાઉ સાણંદમાં પ્રોહિબિશન અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં વેજલપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
