Western Times News

Gujarati News

અભિષેકનો ઝંઝાવાત, ભારતે ન્યૂઝીલેન્ડને ૪૮ રને કચડ્યું

નાગપુર, ભારતના વિસ્ફોટક ઓપનર બેટ્‌સમેન અભિષેક શર્માની ઝંઝાવાતી ઈનિંગ્સ અને રિન્કુ સિંહની ફટકાબાજીની મદદથી ભારતે પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડને ૪૮ રને કચડ્યું હતું. પાંચ ટી૨૦ મેચની સિરીઝમાં ભારતે વિજયી પ્રારંભ કરીને ૧-૦ની સરસાઈ પ્રાપ્ત કરી હતી.

ભારતને પ્રથમ બેટિંગનું નિમંત્રણ મળતાં ડાબોડી ઓપનર અભિષેક શર્માના ૩૫ બોલમાં ૮૪ રન તથા રિન્કુ સિંહના ૨૦ બોલમાં અણનમ ૪૪ રનના સહારે નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે ૨૩૮ રનનો નોંધપાત્ર સ્કોર રજૂ કર્યાે હતો.

ન્યૂઝીલેન્ડની ટીમનો રનચેઝ કરવામાં પનો ટૂંકો પડ્યો હતો. ગ્લેન ફિલિપ્સના ૭૮ રનને બાદ કરતા અન્ય કોઈ બેટ્‌સમેન ખાસ મોટી ઈનિંગ્સ રમી શક્યો નહતો અને કિવિ ટીમ ૨૦ ઓવરના અંતે સાત વિકેટે ૧૯૦ સુધી સિમિત રહી ગઈ હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૨૩મીએ બીજી ટી૨૦ મેચ રાયપુરમાં રમાશે.

આગામી મહિનાઓમાં ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન હોવાથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત માટે આ શ્રેણી મહત્વની છે. બન્ને ટીમો માટે આ ટી૨૦ સિરીઝ વર્લ્ડ કપ અગાઉની નેટ પ્રેક્ટિસ પુરવાર થશે. ન્યૂઝીલેન્ડની ટીમની કંગાળ શરૂઆત જોવા મળી હતી. ૫૨ રનમાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવ્યા બાદ ગ્લેન ફિલિપ્સે ૪૦ બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૭૮ રન ફટકારીને ટીમને સ્થિરતા અપાવી હતી.

માર્ક ચેપમેન (૩૯)એ તેનો સાથ આપતા ચોથી વિકેટ માટે ૭૯ રનની ભાગીદારી નોંધાવી હતી. ડેરેલ મિચેલ ૨૮ અને કેપ્ટન મિચેલ સેંટનરના અણનમ ૨૦ રન પણ ટીમને જીતાડી શક્યા નહતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ બે-બે વિકેટ ઝડપી હતી. ભારતના ઓલરાઉન્ડર સ્પિનર અક્ષર પટેલને બોલિંગ દરમિયાન હાથમાં બોલ વાગતા ઈજા થઈ હતી અને તે અડધી ઓવર છોડીને બહાર જતો રહ્યો હતો.

અભિષેકે તેની ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા હતા. અક્ષર પટેલની ઈજા કેટલી ગંભીર છે તે અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી નહતી.કિવિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યાે હતો. ટી૨૦ ચેમ્પિયન ભારતે સંજૂ સેમસન (૧૦) અને ઈશાન કિશન (૮)ની વિકેટ ઝડપથી ગુમાવી હોવા છતા સકારાત્મક પ્રારંભ કર્યાે હતો. અભિષેક શર્માએ તેના આગાવા અંદાજમાં ન્યૂઝીલેન્ડના બોલર્સની ધોલાઈ ચાલુ રાખી હતી.

અભિષેકે ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ સિક્સરની મદદથી ૮૪ રન ફટકાર્યા હતા. સુકાની સુર્યકુમાર યાદવે ૩૨ રન તથા હાર્દિક પંડ્યાએ ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. અભિષેક અને સુર્યકુમાર વચ્ચે ત્રીજી વિકેટ માટે ૪૭ બોલમાં ૯૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારતની મક્કમ શરૂઆત બાદ મધ્ય હરોળના બેટ્‌સમેનો એક પછી એક આઉટ થતા ત્રણ વિકેટે ૧૨૬થી સ્કોર ૧૬૬ રનમાં પાંચ વિકેટ થયો હતો.

રિન્કુ સિંઘ ૨૦ બોલમાં ઝડપી ૪૪ રન કરીને અણનમ રહ્યો હતો જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડના બોલર જેકોબ ડફી અને કાયલ જેમિસને બે-બે વિકેટ લીધી હતી. ક્રિસ્ટિયન ક્લાર્ક, ઈશ સોઢી તથા સુકાની સેન્ટનરને એક સફળતા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.