નેગેટિવ પીઆરથી કલાકારોની માનસિક સ્થિતિને અસર થાય છે: નિધિ
મુંબઈ, છેલ્લાં કેટલાંક સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેગેટીવ પીઆર ચર્ચાનો મુદ્દો છે. કેટલાંક વખત પહેલાં તાપસી પન્નુએ પણ આ મુદ્દે વાત કરી હતી. ધુરંધર ફિલ્મ પહેલાં યામી ગૌતમે પણ નેગેટિવ પીઆરનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે રાજાસાબની હિરોઇન નિધિ અગ્રવાલે પણ આ મુદ્દે વાત કરી છે.
તેણે નેગેટિવ પીઆર કઈ રીતે સ્ટાર્સની માનસિક સ્થિતિ પર અસર કરે છે અને તે આ સ્થિતિનો સામનો કઈ રીતે કરે છે, તે અંગે વાત કરી હતી.નિધિ ગ્રવાલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેગેટિવ પીઆર અને પેઈડ આૅનલાઇન કેમ્પેઇન્સનાં વધતા ટ્રેન્ડની આકરી ટીકા કરી છે. નિધિએ તેને નુકસાનકારક અને કલાકારો માટે અત્યંત અયોગ્ય ગણાવ્યું છે. નિધિએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત ખરી પ્રતિભાને પ્રોત્સાહન આપવાને બદલે લોકોને નીચે પાડવા માટે પૈસા ખર્ચવામાં આવે છે.
નિધિએ એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન, ખુલાસો કર્યાે કે તેને પણ નેગેટિવ પીઆરનો સામનો કરવો પડ્યો હતો. નિધિએ જણાવ્યું, “એટલું બધું નેગેટિવ પીઆર ચાલે છે! બૂક માય શો રેટિંગ્સ અને આઈએમડીબી રેટિંગ્સ જેવી બાબતોમાં પણ ઘણા લોકો નેગેટિવ એટેક કરે છે.
પેઈડ રિવ્યુઝનો એક ખાસ વર્ગ છે. લોકો બીજાને નીચે ખેંચવા માટે ઘણો પૈસો ચૂકવે છે અને ક્યારેક મને લાગે છે કે લોકો પોતાને ઊંચા ઉઠાવવા કરતાં બીજાને નીચે પાડવા માટે વધુ પૈસા ખર્ચે છે. તાજેતરમાં, મારી વિરુદ્ધ પણ એક-બે નેગેટિવ કેમ્પેઇન શરૂ થયાં હતાં, પરંતુ અમે તેને તરત જ બંધ કરાવી દીધાં. કારણ કે મને થયું કે, યાર, હું મારી રીતે સારું કામ કરીને યોગ્ય દિશામાં આગળ વધી રહી છું.
પરંતુ જો તમે કંઈ નેગેટિવ કરો, તો હું પણ તેનો યોગ્ય જવાબ આપીશ.”તેણે વરુણ ધવન અને કાર્તિક આર્યન વિરુદ્ધ તાજેતરમાં થયેલાં નેગેટિવ પીઆર એટેક્સ વિશે પણ વાત કરી અને કહ્યું, “આ બહુ જ ખરાબ બાબત છે. લોકો આ માટે ઘણો પૈસો ચૂકવે છે, મને લાગે છે કે આ ભયાનક છે. કારણ કે કલાકારો ખૂબ જ સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે.
અંદરથી તેઓ બાળક જેવા હોય છે. મને લાગે છે કે આ તેમની માનસિક સ્થિતિ માટે બિલકુલ સારું નથી. તમને લાગે છે કે તમારી પર કોઈ સતત હુમલા કરી રહ્યું છે. પબ્લિક પર્સનાલિટીઝ પબ્લિક પ્રોપર્ટી નથી હોતાં.
દરેકના ઘરે માતા-પિતા હોય છે અને તમારા પર તેમની જવાબદારી હોય છે. એટલે આ યોગ્ય નથી.”નિધિએ આગળ વરુણ અને કાર્તિકને સારા વ્યક્તિ ગણાવીને કહ્યું કે વરુણનો સ્વભાવ બાળક જેવો મળતાવળો અને પ્રોત્સાહન આપે એવો છે અને હંમેશા નવા કલાકારોને સપોર્ટ કરે છે, જ્યારે કાર્તિક માટે તેણે કહ્યું કે તે જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેણે ખૂબ મહેનત કરી છે.
તાજેતરમાં, જ્યારે બોર્ડર-૨નું ગીત ‘ઘર કબ આઓગે’ રિલીઝ થયું ત્યારે વરુણને આૅનલાઇન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ તેના અભિનયની ટીકા કરી અને તેને “ઓવરએક્ટિંગ” ગણાવ્યું.
બાદમાં એવો આરોપ પણ લાગ્યો કે ઇન્ફ્લુએન્સર્સને વરુણની છબી “બગાડવા” માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.નિધિના કામની વાત કરવામાં આવે તો, છેલ્લે પ્રભાસ સાથે તે ધ રાજાસાબ ફિલ્મમાં જોવા મળી હતી. મારુતિ દ્વારા નિર્દેશિત આ ફેન્ટસી હોરર કોમેડીએ સારું ઓપનિંગ કર્યું હતું, પરંતુ નેગેટિવ રિવ્યુઝ બાદ બીજા દિવસે જ ફિલ્મની બોક્સ ઓફિસ પર અસર થઈ હતી. સંજય દત્ત, માલવિકા મોહનન, રિદ્ધિ કુમાર અને ઝરીના વહાબ પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે. આ ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઇડ ૨૦૦ કરોડની કમાણી કરી છે.SS1MS
