જાખલા ગામ પાસે કન્ટેનરની ટકકરે બાઈકસવાર દંપતીનું મોત
આણંદ, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ભરથરી ગામનું બાઈકસવાર દંપતીને ભાલેજ-લિંગડા રોડ ઉપર જાખલા ગામ પાસે એક કન્ટેનરના ચાલકે ટક્કર મારી હતી. જેમાં રોડ પર ફંગોળાઈ જઈને કન્ટેનરના ટાયર નીચે આવી જતા પતિનુ સ્થળ પર જ મોત થયું હતું અને પત્નીને આણંદ ખાતે હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે ભાલેજ પોલીસે કન્ટેનરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઠાસરા તાલુકાના ભરથરી ગામે વિક્રમભાઈ કાળાભાઈ રાઠોડ પત્ની વનીતાબેન સહિતના પરિવાર સાથે રહેતા હતા.
વિક્રમભાઈના દીકરી સગુણાબેનના લગ્ન આણંદ તાલુકાના વલાસણ ગામે કરવામાં આવ્યા હતા અને સગુણાબેનને પ્રસુતિ માટે આણંદ શહેરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સગુણાબેનને બુધવારે દીકરાને જન્મ આપ્યો હતો, જેથી સવારના અરસામાં વિક્રમભાઈ પત્ની વનીતાબેન સાથે બાઈક લઈને ભરથરી ગામેથી નીકળીને આણંદ ખાતે દીકરી સગુણાબેનની ખબર જોવા માટે હોસ્પિટલમાં ગયા હતા.
બપોરના અરસામાં વિક્રમભાઈ પત્ની વનીતાબેન સાથે આણંદથી પરત ભરથરી ગામે જવા નીકળ્યા હતા અને ભાલેજ-લીંગડા રોડ ઉપર જાખલા ગામની સીમમાં ભાવના સિમેન્ટ આર્ટીકલ નજીકથી પસાર થતા હતા.
આ વખતે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં એક કન્ટેનર ટ્રકના ચાલકે વિક્રમભાઈ અને વનીતાબેનના બાઇકને ટક્કર મારતા વિક્રમભાઈ અને વનીતાબેન રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. આ દરમ્યાન વિક્રમભાઈના શરીર ઉપર કન્ટેનરનું વ્હીલ ફરી વળતાં વિક્રમભાઈનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે વનીતાબેનને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ બનતાં જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત વનીતાબેનને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે આણંદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં વનીતાબેનને તપાસીને ડોક્ટરે વનીતાબેનને પણ મરણ જાહેર કર્યા હતા.આ બનાવ અંગે દશરથભાઈ કાળાભાઈ રાઠોડની ફરિયાદ લઈ ભાલેજ પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
