રાજકોટમાં યુવતી પર બળાત્કાર ગુજારનાર આરોપીને આજીવન કેદ
રાજકોટ, રાજકોટની સેશન્સ કોર્ટે એક ચકચારી બળાત્કારના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ ગત વર્ષે એક યુવતીને બેંકનું ફોર્મ ભરી દેવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો. કોર્ટે આ ગુનાને ગંભીર ગણી આરોપીને આજીવન જેલની સજાની સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ કર્યાે છે.
આ ઘટના જુલાઈ ૨૦૨૧માં કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આરોપી જીગર પરબતભાઈ ભાદરકાએ યુવતીને વિશ્વાસમાં લઈ તેના ઘરે બોલાવી ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઘટનાથી અત્યંત આઘાતમાં સરી પડેલી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદન અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓમાં અત્યાચારની હકીકત સ્પષ્ટ થઈ હતી.સરકારી વકીલ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી કે આરોપીએ યુવતીના ભરોસાનો ગેરફાયદો ઉઠાવી જઘન્ય અપરાધ કર્યાે છે.
પ્રોસીક્યુશન દ્વારા ડોક્ટર, તપાસ કરનાર પોલીસ અધિકારી અને મેજિસ્ટ્રેટની જુબાનીઓ સહિત મેડિકલ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટ દ્વારા આ કડક સજા સંભળાવવામાં આવી છે.SS1MS
