Western Times News

Gujarati News

બિટકોઈન હેરાફેરીમાં ૪૪ કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મળ્યાં

અમદાવાદ , ગુજરાતના બહુચર્ચિત અપહરણ અને બિટકોઈન હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. ઈડીએ મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સંબંધી સંજય કનુભાઈ કોટડિયાના રિમાન્ડ દરમિયાન મહત્ત્વના અને ચોંકાવનારા પુરાવા એકત્ર કર્યા છે.

ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરતાં તા. ૯-૧-૨૦૨૬ના રોજ પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપકરણોની ફોરેન્સિક તપાસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. ઉપરાંત ક્રિપ્ટો કરન્સી અને ભારતીય ચલણ રૂપે કુલ રૂ. ૧૯ કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન એકપણ બિટકોઈન કબજે કરી શકાયું નહોતું. જ્યારે ઈડીએ અપહરણ બાદ બિટકોઈનની હેરાફેરી કયા રૂટથી કરવામાં આવી હતી તે અંગેના સ્પષ્ટ પુરાવા એકત્ર કરી કરોડોની મિલકતો ટાંચમાં લીધી છે.

સુરતમાં ૨૨૫૪ બિટકોઈન, ૧૧ હજાર લાઇટ કોઈન અને ૧૪.૫૦ કરોડ રોકડા અપહરણ કરીને પડાવી લેવાના મામલે સીઆઈડી ક્રાઈમ, સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે ઈડીએ પીએમએલએ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

રિમાન્ડ દરમિયાન બહાર આવ્યું છે કે શૈલેષ ભટ્ટે પડાવી લીધેલા બિટકોઈન પૈકી ૨૬૦ બિટકોઈન નિકુંજ ભટ્ટને આપ્યા હતા. ત્યારબાદ નિકુંજ ભટ્ટે ગુનાની રકમ છૂપાવવાના ઇરાદે સુનિલ રતિલાલ વાઘ નામના વ્યક્તિના દસ્તાવેજોનો દુરુપયોગ કરી બિનાન્સ એક્સચેન્જ પર એકાઉન્ટ ખોલ્યું હતું.

ફોરેન્સિક એનાલિસિસમાં સ્પષ્ટ થયું છે કે આ એકાઉન્ટ સુનિલ વાઘે ક્યારેય સંચાલિત કર્યું નહોતું, પરંતુ નિકુંજ ભટ્ટે જ છુપા (સ્યુડોનીમ) ઈમેલ અને મોબાઇલ નંબર દ્વારા તેનો ઉપયોગ કર્યાે હતો.આ એકાઉન્ટમાં શૈલેષ ભટ્ટ પાસેથી મેળવેલા કુલ ૨૪૬ બિટકોઈન જમા કરવામાં આવ્યા હતા. બાદમાં શૈલેષ ભટ્ટના સૂચન અનુસાર નિકુંજ ભટ્ટે આશરે ૫૦.૬૭ લાખ યુએસડીટી મુંબઈના સંજય કોટડિયા નામના વ્યક્તિને ટ્રાન્સફર કર્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની હાલની બજાર કિંમત અંદાજે ૪૪ કરોડ થાય છે.

આ ઉપરાંત ઈડીએ રિમાન્ડ દરમિયાન બિટકોઈનના હવાલા આંગડિયા મારફતે પાડવામાં આવ્યા હોવાના પણ મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.