Western Times News

Gujarati News

ગુજરાતીમાં કેસની દલીલ કરવાની અરજદારની રજૂઆત હાઇકોર્ટે ફગાવી દીધી

અમદાવાદ, એક અરજદારને તેના કેસની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે મનીષ કનૈયાલાલ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો કેસમાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે હાઇકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તેથી કેસની રજૂઆત અંગ્રેજીમાં હોવી જોઈએ.

તે અંગ્રેજી ભાષા સિવાય અન્ય કોઈ ભાષામાં હોઈ શકે નહીં. આ કેસમાં અરજદારે એક પ્રમાણપત્રને પડકાર્યું હતું, જેમાં હાઇકોર્ટની સમિતિએ કોર્ટ સમક્ષ પક્ષકાર તરીકે તેના કેસની દલીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યાે હતો, કારણ કે તે અંગ્રેજી ભાષામાં અસમર્થ હતો.

જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની બેંચે આ અરજી ફગાવી કાઢી હતી અને ઓગસ્ટ ૨૦૨૫ માં હાઈકોર્ટ સમિતિ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રને સમર્થન આપ્યું હતું. જેમાં અરજદારને વ્યક્તિગત રીતે પોતાનો કેસ રજૂ કરવા માટે અક્ષમ જાહેર કરવામાં આવ્યો હતો.

કારણ કે તે અંગ્રેજી ભાષામાં પોતાની વાત રજૂ કરવામાં અસમર્થ હતો.હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે,પ્રતિવાદીઓ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રમાં કોઈ ખામી નથી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે કોઈપણ પણ પાર્ટી ઇન પર્સન તરીકે અંગ્રેજી ભાષા સિવાય કોર્ટમાં અન્ય કોઇ ભાષામાં સંબોધન કરી શકશે નહીં.

ખાસ કરીને જ્યાં સુધી તેની યોગ્યતા સમિતિ દ્વારા પ્રમાણિત ન થાય. આ કેસમાં પ્રતિવાદી સમિતિએ એવું પણ અવલોકન કર્યું છે કે અરજદારની શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ છે. તે અંગ્રેજી ભાષા સમજી શકતો નથી. તે અંગ્રેજી ભાષામાં અભિવ્યક્તિ કરી શકતો નથી અને તેના વિચારો સ્પષ્ટ નથી.

તે અંગ્રેજી ભાષામાં હકીકતો સમજાવી શકતો નથી અને તેથી તે કોર્ટને રૂબરૂમાં સંબોધી શકવામાં સક્ષમ નથી. તેથી આ તબક્કે તેને સૂચન કરવામાં આવે છે કે તે તેની પસંદગીના વકીલને રોકે અથવા હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.