મૂળ દાહોદના યુવકની સગા ભાઈએ જ હત્યા કરી નાંખી
આણંદ, ઉમરેઠના લિંગડા ગામે એક ભાઈએ પોતાના સગા નાનાભાઈનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં તેનું મોત કુદરતી થયું હોવાની જાણ પોલીસને કરી હતી.
જોકે પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને મોત નિપજાવ્યુ હોવાનું બહાર આવતા પોલીસે ભાઈની પૂછતાછ કરી હતી જેમાં તે ભાગી પડ્યો હતો અને પોતે જ પોતાના સગા ભાઈનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ગુનો તેણે કબૂલી લીધો હતો.પોલીસના જણાવ્યા અનુસાર મૂળ દાહોદના અને હાલમાં લીંગડા રોડ પર રહેતા ૫૦ વર્ષીય કનુભાઈ માલાભાઈ મોરણીયાનો ગુરૂવારે સાંજે પેટ્રોલપંપની પાછળ આવેલા મિનેષભાઈ પટેલના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકના ભાઈ સોમાભાઈ મોરણીયાએ તેનો ભાઈ અકસ્માતે મૃત્યુ પામ્યો હોવાની જાણ ભાલેજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેને પગલે ભાલેજ પોલીસે મૃતકના ભાઈ સોમાભાઈની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં કનુભાઈ મોરણીયાનું ગળું દબાવી મોત નીપજાવ્યાનું ખૂલ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સોમાભાઈની સાથે રહેતી તેની પત્ની ભાગી ગઈ હોવાનું ખૂલ્યું હતું. જ્યારે મૃતક અપરણિત હતો.
જેને પગલે ફરિયાદ આપનારા સોમાભાઈની જ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શરૂમાં તેણે ગલ્લાંતલ્લાં કર્યા હતા. બાદમાં તે ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ તેણે જ તેના ભાઈની ગળું દબાવીને હત્યા કરી નાંખી હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે, તેના ભાઈ કનુને તેણે રૂપિયા ૧૦ હજાર ઉછીના આપ્યા હતા, પરંતુ તે પરત કરતો નહોતો.વધુમાં તેની પત્નીને પણ તે પસંદ કરતો હતો.
આ બંને બાબતને લઈને બંને ભાઈઓ વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી ઝઘડાઓ થતા હતા. દરમિયાન, ગુરૂવારે ઝઘડો ઉશ્કેરાટમાં પરિણમતાં બંને વચ્ચે મારામારી થઈ હતી અને તેણે તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલમાં પોલીસે આરોપી શખ્સની અટકાયત કરી અન્ય કોઇ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.SS1MS
