સુરતમાં વાતચીતમાં ગાળ દેતા મિત્રએ જ મિત્રની પથ્થરથી હત્યા કરી નાખી
સુરત, સુરતના અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઓડિશાવાસી યુવકની પથ્થર વડે હત્યા કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓડીશાના ગંજામ જિલ્લાના વતની અને હાલ અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૪ માં રહેતા પિતામ્બરભાઇ ગનતાઇ નાહકનો ૩૦ વર્ષીય પુત્ર કપિલાશ નાહક પણ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં સંચા મશીન પર છૂટક મજૂરી પર કામ કરતો હતો. ગતરોજ અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૩ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ તેની નિર્મમ હત્યા નિપજાવી હતી.
ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બાતમી આધારે હત્યારા મૂળ ઓડિશાના રાજેશ ગંગાધર પ્રધાન (ઉ.વ. ૨૧)ને પકડી પાડ્યો હતો. રાજેશની મૃત્યુ પામનાર કપિલાશ સાથે બે દિવસ પહેલા મિત્રતા થઈ હતી.
ગત ૨૧મીની રાત્રે બંને વાતચીત કરતા હતા ત્યારે ઉશ્કેરાટમાં કપિલાશે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. રાજેશે ગાળો આપવાનું ના પાડી તો વળી તેને માંને ઉદ્દેશીને ગાળો આપવાનું શરૂ કરતા આવેશમાં આવી રાજેશે કપિલાશને માથા અને મોં પર પથ્થર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.SS1MS
