ફાયરિંગ કેસમાં એક્ટર કેઆરકેની ધરપકડ કરાઈ
મુંબઈ, એક્ટર કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેને મુંબઈ પોલીસે શનિવારે અંધેરી પશ્ચિમના ઓશિવરા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં ફાયરિંગની ઘટનાના સંબંધિત ધરપકડ કરી છે.
પોલીસે એક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પીટીઆઈના અહેવાલમાં પોલીસે જણાવ્યું કે- શુક્રવારે મોડી રાત્રે તેમને પૂછપરછ માટે ઓશિવરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, પોતાના નિવેદનમાં કેઆરકેએ લાઇસન્સવાળી બંદૂકથી બે રાઉન્ડ ફાયર કરવાની વાત કબૂલી છે. આ ઘટના ૧૮ જાન્યુઆરીના રોજ ઓશિવરા સ્થિત નાલંદા સોસાયટીમાં બની હતી.
તપાસ દરમિયાન સોસાયટી પરિસરમાંથી બે ગોળીઓ મળી આવી હતી, જેમાં એક બીજા માળેથી અને બીજી ચોથા માળેથી મળી હતી.ઇન્ડિયા ટુડે અનુસાર, એક ફ્લેટ લેખક-નિર્દેશક નીરજ કુમાર મિશ્રાનો છે અને બીજો એક મોડેલ પ્રતીક બૈદનો છે.
શરૂઆતમાં સીસીટીવી ફૂટેજમાંથી કોઈ પુરાવો મળ્યો ન હતો, પરંતુ ફોરેન્સિક તપાસમાં સંકેત મળ્યો કે ગોળીઓ નજીકના કેઆરકેના બંગલામાંથી ચલાવવામાં આવી હતી. પોલીસના મતે, ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કેઆરકે પોતાને ફિલ્મ વિવેચક ગણાવે છે અને સોશિયલ મીડિયા પર અવારનવાર ફિલ્મોની ટીકા કરતા જોવા મળે છે.
તેઓ ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સ પર તીખી ટિપ્પણીઓના કારણે ચર્ચામાં રહ્યા છે. તેમણે સલમાન ખાન, શાહરુખ ખાન અને અજય દેવગન જેવા મોટા સિતારાઓ પર તીખી ટિપ્પણીઓ કરી છે. સલમાન ખાને તો તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કરાવ્યો હતો.
વળી, કેઆરકે એ વર્ષ ૨૦૦૮માં આવેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘દેશદ્રોહી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેને પોતે જ પ્રોડ્યુસ પણ કરી હતી. આ પછી તેઓ ૨૦૧૪ની ફિલ્મ ‘એક વિલન’માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા.SS1MS
