Western Times News

Gujarati News

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદ ખાતે “સરહદનો સાદ- નુતન વાવ- થરાદ” મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યકમ યોજાયો

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નોંધપાત્ર યોગદાન આપનાર જિલ્લાની ૧૬ વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન

વાવ – થરાદ જિલ્લાને રૂ. ૨૦૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાઈ

જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસ કાર્યો માટે રૂ.૨.૫૦ કરોડના ચેક અર્પણ કરાયા

: રાજ્યપાલશ્રી :

  • રાજ્યપાલશ્રીએ પ્રજાસત્તાક પર્વે વાવ- થરાદની જનતાની શાલીનતા અને સંસ્કારોને બિરદાવ્યા.
  • શિક્ષણ, સંસ્કાર અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપી રાજ્યપાલશ્રીએ વાવ- થરાદને ‘મોડેલ જિલ્લો’ બનાવવા જિલ્લાવાસીઓને કર્યું આહ્વાન.

: મુખ્યમંત્રીશ્રી :

  • વાવ–થરાદ જિલ્લો સૌર ઉર્જામાં અગ્રેસર બને એ સરકારનો દૃઢ નિર્ધાર.
  • વિકસિત વાવ- થરાદના રોડમેપ દ્વારા વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન.

૭૭મા પ્રજાસત્તાક દિન- ૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલ વાવ–થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે “સરહદનો સાદ – નુતન વાવ–થરાદ” મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત અહીં પ્રજાસત્તાક પર્વની આટલી ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે, જે બદલ સમગ્ર જિલ્લાવાસીઓ અભિનંદનને પાત્ર છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “ગુજરાતમાં રાજ્યપાલ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મેં અનેક ભવ્ય કાર્યક્રમો જોયા છે, પરંતુ અહીંની જનતામાં જે શાલીનતા, સભ્યતા અને સરળતા જોવા મળી છે તેવી મેં અગાઉ ક્યારેય જોઈ નથી. અહીંના લોકો ખૂબ જ ભલા અને સંસ્કારી છે.” તેમણે મુખ્યમંત્રીશ્રી દ્વારા નવરચિત જીલ્લા માટે જાહેર કરાયેલા વિવિધ વિકાસ કાર્યો અને ભંડોળને બિરદાવતા કહ્યું હતું કે, નવો જિલ્લો બનતા હવે આ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે.

રાજ્યપાલશ્રીએ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસો અને બનાસ ડેરીના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે, આ રણ પ્રદેશ જેવા વિસ્તારને હરિયાળો બનાવવામાં સહકારી પ્રવૃત્તિઓનો મોટો ફાળો છે. આ સાથે તેમણે માતા પિતાને અપીલ કરી હતી કે, દીકરા-દીકરીના શિક્ષણમાં ભેદભાવ રાખ્યા વગર બાળકોને ઉચ્ચ શિક્ષણ આપો અને તેમને વ્યસનમુક્ત તથા સંસ્કારવાન બનાવો જેથી તેઓ કુળ અને દેશનું ગૌરવ વધારી શકે.

પશુપાલન સાથે જોડાયેલા આ વિસ્તારના ખેડૂતોને રાજ્યપાલશ્રીએ ‘ઝેરમુક્ત ખેતી’ એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવવા વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, “જો તમે પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો પર્યાવરણ, ધરતી માતા અને ગૌમાતાની રક્ષા થશે, સાથે જ લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે. વાવ- થરાદ જિલ્લાને પ્રાકૃતિક ખેતીમાં એક ‘મોડેલ જિલ્લો’ બનાવવા તેમણે જિલ્લા વાસીઓને અપીલ કરી હતી.

રાજ્યપાલશ્રીએ ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ ના શ્લોક સાથે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારીની મંગલ કામના કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે નવીન રચાયેલા વાવ–થરાદ જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની પ્રથમ ધ્વજવંદન ઉજવણી યોજાઈ રહી છે – એ મારા માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે.

આ જિલ્લાની જનતામાં આજે સવારથી જે ઉમંગ, ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, તે આ ઐતિહાસિક પળને વધુ યાદગાર બનાવે છે. આ પાવન અવસરે  તેમણે સૌને ૭૭માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું કે, ૧૯૪૭માં આપણે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવી,ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાન થકી આપણને લોકશાહીનો માર્ગ બતાવ્યો અને પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો અધિકાર આપ્યો.પ્રજાસત્તાક પર્વ એ ૧૪૦ કરોડ ભારતીયોના લોકશાહી પરના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ આખું વર્ષ ઉજવવાનો સંકલ્પ લેવાયો છે, જેથી આવનારી પેઢી આપણા ઈતિહાસ, સંસ્કૃતિ અને વિરાસત સાથે જોડાય. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ  ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે રાષ્ટ્રીય પર્વોની ઉજવણીને સીમિત ઢાંચામાંથી બહાર કાઢી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આજે વાવ-થરાદ જિલ્લામાં યોજાતી આ પ્રથમ રાજ્યકક્ષાની ઉજવણી સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો સુરક્ષા દૃષ્ટિએ અત્યંત મહત્વનો છે તેમ જણાવી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ સમયે અહીંની જનતાએ જે શૌર્ય અને સાહસ દાખવ્યું, તે આજે પણ સૌ માટે પ્રેરણારૂપ છે. આ અવસરે તેમણે રણછોડ પગી જેવા વિરલ દેશભક્તોને વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ‘ઇઝી ઓફ લિવિંગ’નો મંત્ર આજે વાવ–થરાદમાં સ્પષ્ટ રીતે સાકાર થતો જોવા મળે છે. રાજ્ય સરકારે રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

વાવ–થરાદ જિલ્લામાં ગ્રામિણ પંચાયત વિભાગના વિકાસ માટે ૫૯ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

જિલ્લાના ખેડૂતોને ઊભા પાકના નુકસાન બદલ ૩૯૫ કરોડ રૂપિયાની સહાય અપાઈ છે. પાણીના વિકાસ કામો માટે ૨૫૦૦ કરોડ રૂપિયાનો વિશેષ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંગેની વિગતે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વાસીઓને માહિતી આપી હતી.

થરાદ નગરપાલિકાને એ-ગ્રેડમાં ઉન્નત કરવામાં આવી છે, જેના પરિણામે હવે તેને વાર્ષિક ૧૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. આ ડબલ એન્જિન સરકારમાં વિકાસની ગતિ પણ ડબલ થઈ છે અને સ્કિલ પણ ડબલ થઈ છે. રાધા નેસડા અને મસાલી ગામોએ જિલ્લાને ગ્રીન એનર્જીમાં આગવી ઓળખ અપાવી છે. આવનારા સમયમાં વાવ–થરાદ જિલ્લો સોલાર એનર્જીમાં અગ્રેસર બને એ સરકારનો દ્રઢ નિર્ધાર છે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રજાસત્તાક પર્વના યજમાન બનેલા વાવ–થરાદ જિલ્લાને આર્થિક, સામાજિક અને માળખાકીય રીતે વધુ મજબૂત બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્ર સાથે વિકસિત વાવ–થરાદના રોડમેપ દ્વારા વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ – થરાદ જિલ્લાની રચના બાદ માત્ર સાડા ત્રણ મહિનામાં કલેક્ટર કચેરીના ભૂમિપૂજન સાથે રૂ. ૨૦૭ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવું એ ઐતિહાસિક ક્ષણ છે. GIDC થકી સ્થાનિક ખેડૂતો ઉદ્યોગ સાહસિક બને અને કૃષિ ઉત્પાદનોના એક્સપોર્ટને વેગ મળે તેવો દૂરંદેશી અભિગમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાકાર કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે તેમણે નવા વાવ થરાદ જિલ્લાની ભેટ આપવા બદલ સરહદી વિસ્તારના લોકો મુખ્યમંત્રીશ્રીના ઋણી રહેશે તેમ ઉમેર્યું હતું

અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વાવ – થરાદ વિસ્તારના જળ સંકટના કાયમી ઉકેલ માટે રૂ. ૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે નર્મદાના નીર તળાવો સુધી પહોંચાડવાની મંજૂરીથી વિસ્તારની કાયાપલટ થશે. તેમણે સરહદી વિસ્તારના લોકોની દેશભક્તિને બિરદાવતા ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્ય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નોંધપાત્ર યોગદાન આપનાર જિલ્લાની ૧૬ વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, જે જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. આ પ્રસંગે વિકાસ વિરાસત અને વિશ્વાસનું પ્રતીક વાવ થરાદ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી જે.એસ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કરતાં સૌને આવકાર્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને વિકાસ કાર્યો માટે રૂ.૨.૫૦ કરોડના ચેક અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે રૂ. ૨૩.૨૩ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૦૬ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ. ૧૮૪.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૯ નવા કામોનું ખાતમુહૂર્ત કરી જિલ્લાને રૂપિયા ૨૦૭ કરોડના વિકાસની ભેટ આપવામાં આવી હતી

રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા નૃત્ય, સંગીત અને નાટકના ત્રિવેણી સંગમથી નવરચિત વાવ- થરાદ જિલ્લાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોક પરંપરાઓ તથા સરહદી વિસ્તારની દેશભક્તિપૂર્ણ ભાવનાનું જીવંત અને ભાવસભર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આધુનિક મલ્ટીમીડિયા પ્રસ્તુતિઓ સાથે રજૂ થયેલ કાર્યક્રમ દર્શકો માટે યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ બની રહ્યો હતો.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર,  ધારાસભ્ય સર્વે શ્રી કેશાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી લવિંગજી ઠાકોર, અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા, મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ, અધિક મુખ્ય સચિવ ડૉ અંજુ શર્મા, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, પોલીસ મહા નિર્દેશક કેએલએન.રાવ, પ્રભારી સચિવશ્રી એમ.નાગરાજન, સહિતના અધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.