Western Times News

Gujarati News

ચાંદખેડામાં ફ્લિપકાર્ટ ઇ- કોમર્સ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

મ્યુનિ. કોર્પોરેશને સીલ કરેલા ગોડાઉનનો ગેરકાયદેસર વપરાશ થતો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ,  રાજ્યનો સૌથી ચકચારી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે મોટા શેડ બનાવી દેવામાં આવે છે જેની કોઈપણ પ્રકારની વપરાશ પરવાનગી વગર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

શહેરના ચાંદખેડા TP- 44 વિસ્તારમાં SMVS સ્વામિનારાયણ મંદિરની સામે ફ્લિપકાર્ટ ઇ- કોમર્સ કંપનીના માલસામાનના ગોડાઉનમાં શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. ઇ- કોમર્સ કંપનીના માલસામાનનું ગોડાઉન ગેરકાયદેસર રીતે બીયુ પરવાનગી વિના વપરાશ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી રદ કરી સીલ માર્યું હોવા છતાં પણનો વપરાશ કરવામાં આવતો હતો.

રાજ્યમાં ગેમ ઝોન જેવા અગ્નિકાંડની ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નિયમ મુજબના બાંધકામ અને ફાયર NOC લઈને અનેક જગ્યાએ તપાસ કરી કાયદેસરના નિયમ મુજબ બાંધકામ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા હોવા અંગે કડક આદેશ આપ્યા હતા. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ નિયમ મુજબના કાયદેસર બાંધકામને લઈને ગંભીર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે.

ચાંદખેડા વિસ્તારમાં TP 44માં ફ્લિપકાર્ટ ઇ – કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જે માલસામાનના ગોડાઉનની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વપરાશ પરવાનગી (બીયુ) આપવામાં આવી નથી. જેને સીલ પણ મારવામાં આવ્યું હતું.

ઇ – કોમર્સ કંપનીના ગોડાઉનના માલિક દ્વારા જૂન 2025માં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અરજી કરવામાં આવી હતી. 11 ઓગસ્ટ 2025ના રોજ કોર્પોરેશન દ્વારા તેમની અરજીને ના મંજૂર કરી દેવામાં આવી હતી. બીયુની અરજી ના મંજૂર કર્યા બાદ વપરાશ બંધ કરવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા 14 ઓગસ્ટના રોજ નોટીસ આપવામાં આવી હતી.

14 ઓગસ્ટના રોજ નોટિસ આપ્યા બાદ પણ વપરાશ બંધ કરવા 19 ઓગસ્ટ ના રોજ આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સીલ માર્યા બાદ પણ આ ગોડાઉનનો વપરાશ માલિક દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

ચાંદખેડામાં આવેલું ફ્લિપકાર્ટનું ઇ – કોમર્સ કંપનીનું ગોડાઉન પાંચ મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડના એસ્ટેટ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.

સરકારી સીલ માર્યું હોવા છતાં પણ કેવી રીતે ગોડાઉનનો વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો સીલ માર્યું હતું તો ત્યાં ફરીથી વપરાશ શરૂ થયો છે કે કેમ તે અંગે કેમ કોઈ તપાસ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી નહીં જો સીલ તોડવામાં આવ્યું હતું તો તેમ સીલ તોડનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

શેડ પ્રકારના ગોડાઉનમાં શુક્રવારે ગંભીર આગની ઘટના બની હતી. જોકે સદનસીબે વહેલી સવારે આગ લાગી હતી અને કોઈપણ ત્યારે હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી પરંતુ દિવસ દરમિયાન કામગીરી ચાલી રહી હોય અને ત્યારે જો આ આગ લાગવાની ઘટના બની હોત અને કોઈ જાનહાની થઈ હોત તો એને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ પણ હજી અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રીતે બનતા અને ઉપયોગ થતી મિલકતો સામે કાર્યવાહી કરતા નથી ત્યારે આવા અધિકારીઓની તપાસ કરવામાં આવે તો અનેક બાબતો સામે આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.