Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે ‘૭૭ મા પ્રજાસત્તાક પર્વ’ નિમિત્તે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

દુબઈ હેલ્થકેર સિટીની તર્જ પર કલોલ પાસે રૂ.૧૩‌ હજાર કરોડના રોકાણ સાથે ઇન્ટરનેશનલ મેડિસિટીસ્થાપાશે,જે ગાંધીનગરને વિશ્વના હેલ્થ મેપ પર અગ્રેસર બનાવશેઅધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિ

પોલીસ, હોમ ગાર્ડ,ગ્રામ રક્ષક દળ, NCC કેડેટ્સ દ્વારા પરેડ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

સરકાર કલોલ પાસે રૂ.૧૩,૦૦૦ કરોડના રોકાણ સાથે ‘ઇન્ટરનેશનલ મેડિસિટી’સ્થાપવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ ‘દુબઈ હેલ્થકેર સિટી’ની તર્જ પર હશે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરને વિશ્વના હેલ્થ મેપ પર અગ્રેસર બનાવશે તેમ,આજે ગાંધીનગર ખાતે ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મહેસૂલ વિભાગ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.

ભારતના ‘૭૭ મા પ્રજાસત્તાક પર્વ’ નિમિત્તે આજે રામકથા મેદાન- ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિની ગરિમામય ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

૭૭ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે  સૌ નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવતાં અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિએ કહ્યું હતું કે,આ ભૂમિ મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી છે, જે આપણને હંમેશા સત્ય, અહિંસા અને સુરાજ્યના પથ પર ચાલવાની પ્રેરણા આપે છે. આજનો દિવસ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના એ ઐતિહાસિક દિવસને યાદ કરવાનો અવસર છે જ્યારે આપણે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે આપણું બંધારણ અપનાવ્યું.

આ બંધારણ માત્ર કાયદાનો સંગ્રહ નથી, પણ દરેક ભારતીયના સપના અને સમાનતાનો દસ્તાવેજ છે.આજે આપણે જ્યારે આઝાદીના આ અમૃતકાળમાં જીવી  રહ્યા છીએ, ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ભૂલી ન શકાય. તેમની દૂરંદેશીને કારણે જ આજે ભારત ‘વિશ્વગુરુ’ બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે,ગાંધીનગર વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે.ગાંધીનગર માત્ર ગુજરાતનું પાટનગર નથી, પણ તે આધુનિકતા અને સંસ્કારિતાનો સમન્વય છે. ગ્રીન સિટી તરીકેની ઓળખ ધરાવતું આ શહેર આજે ટેકનોલોજી, શિક્ષણ અને સુશાસનનું કેન્દ્ર બન્યું છે. આપણો ગાંધીનગર તાલુકો અને જિલ્લો શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં અગ્રેસર રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે,ગાંધીનગર મહાનગરપાલિકાનું બજેટ વર્ષ ૨૦૧૦માં જે માત્ર રૂ. ૭ કરોડ હતું, તે આજે રૂ.૧,૭૦૦ કરોડને પાર કરી ગયું છે. આ જનસુખાકારી માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો મક્કમ નિર્ધારનો પુરાવો છે.

ડૉ. રવિએ જણાવ્યું હતું કે,પેથાપુર-મહુડી રોડનું ફોર-લેનિંગ, નવા રેલ્વે ઓવરબ્રિજ અને સેક્ટરોમાં સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમ દ્વારા ગાંધીનગર હવે સાચા અર્થમાં ‘સ્માર્ટ સિટી’ બની રહ્યું છે.

ગાંધીનગર જિલ્લો આઈટી અને બાયોટેક હબ બની રહ્યો છે. સાથે જ, વર્ષ ૨૦૩૬ ઓલિમ્પિકના લક્ષ્ય સાથે જિલ્લામાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે.ગુજરાત દેશને ઊર્જા સુરક્ષા પૂરી પાડવામાં અગ્રેસર છે. ગુજરાત ભારતનું ‘પેટ્રોકેમિકલ હબ’ અને ‘ગ્રીન એનર્જી કેપિટલ’ બન્યું છે.

તેમણે કહ્યું કે,આપણે રાજ્યમાં સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા પ્રદૂષણ મુક્ત ઊર્જાનું નિર્માણ કરી રહ્યા છીએ. કચ્છના રણમાં બની રહેલો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક એ ભારતની શક્તિનું પ્રતીક છે.પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ આપણા ખેડૂતો હવે ‘અન્નદાતા’ની સાથે ‘ઊર્જા દાતા’ પણ બની રહ્યા છે. ખેતરમાં સોલાર પેનલ લગાવીને તેઓ પોતાની વીજળી જાતે ઉત્પન્ન કરી રહ્યા છે.

ગાંધીનગરના આંગણે ગિફ્ટ સિટીમાં જે રીતે વૈશ્વિક રોકાણ આવી રહ્યું છે, તે આપણા જિલ્લા અને રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. આ બધી જ સિદ્ધિઓ પાછળ આપણા ગુજરાતના શ્રમિકો, ઇજનેરો અને સામાન્ય જનતાનો પરસેવો છે. આ જ સાચી દેશભક્તિ છે કે આપણે આપણા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રાષ્ટ્રને વધુ આત્મનિર્ભર બનાવીએ તેમ, તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર જિલ્લાની વિવિધ વિભાગોની સિદ્ધિઓ જોઇએ તો, આરોગ્ય સેવાઓએ માનવ સેવાની ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી અહીં જોવા મળી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૧.૫૬ લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ માટે આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ કુલ ૯,૬૯૨ ક્લેમ થકી કુલ ૩૧.૧૮ કરોડની સારવાર નાગરિકોને આપવામાં આવી છે.

પ્રધાન મંત્રી માતૃવંદના યોજના ૨.૦ અંતર્ગત ચાલુ વર્ષે એપ્રિલ ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ૫,૫૫૦ સગર્ભા અને ૨૦૨૪-૨૦૨૫ માં ૮,૪૫ર સગર્ભાને કુલ રૂ.૨.૪૯ કરોડથી વધુનો લાભ આપવામાં આવ્યો છે.નમોશ્રી યોજનામાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ૬,૪૬૩ સગર્ભાઓને કુલ રૂ.૩.૮૭ કરોડનો લાભ આપવામાં આવ્યો.

તેમણે કહ્યું કે, યુવાનો માટે રોજગારની તકો વિકસાવવામાં ગાંધીનગર જિલ્લો અગ્રેસર રહ્યો છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા કુલ ૪૫ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું, આ ભરતીમેળામાંથી કુલ ૩,૩૮૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.મહિલાઓના સ્વાભિમાનની રક્ષા, સુરક્ષા અને સહાય માટે રાજ્ય સરકાર હંમેશા મક્કમ છે. ગંગા સ્વરૂપા મહિલાઓને છેલ્લા એક વર્ષમાં અંદાજે ૫૦,૭૫૬ પ્રતિ લાભાર્થી દીઠ માસિક રૂ.૧,૨૫૦ લેખે કુલ રૂ. ૭૬.૧૩ કરોડ જેટલી માતબર રકમ સીધી તેમના બેક-પોસ્ટ ખાતામાં ચૂકવવામાં આવી છે.

આ સિવાય”વ્હાલી દીકરી યોજના” અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ-૮૯૯ લાભાર્થી દીકરીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં કુલ રૂ.૯.૮૯ કરોડ જેટલી માતબર રકમ ભવિષ્યમાં સીધી આ દીકરીઓના બેંક ખાતામાં DBT મારફત ચૂકવવામાં આવશે.

વધુમાં આજે ભારતીય આયુર્વેદ ચિકિત્સા વૈશ્વિક સ્તરે ટ્રેડિશનલ પાવરફુલ ટ્રીટમેંટ તરીકે પ્રખ્યાત થઇ છે ત્યારે જિલ્લામાં વર્ષ દરમિયાન૧.૪૩ લાખથી વધુ દર્દીઓએ આયુર્વેદ ઓપીડી, ૧૫,૫૦૪ નાગરિકોએ પ્રકૃતિ પરીક્ષણ અને ૧.૫૬ લાખથી વધુ નાગરિકોએ યોગનો લાભ લીધો છે.

મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ગાંધીનગર જિલ્લાની ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર ખાણકામના કુલ ૫૪૧ કેસો કરી રૂ. ૧૦૨૮.૪૦ લાખની દંડકીય રકમની વસૂલાત કરી તથા ખનીજના ગેરકાયદેસર ખાણકામ કરનાર ૭૪ ઈસમો વિરૂદ્ધ કુલ દંડકીય રકમ રૂ. ૨,૪૬૮ લાખની વસૂલાત માટે કોર્ટ કેસ/પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેમ વિગતો આપતાં ઉમેર્યું હતું.

ડૉ. રવિએ કહ્યું હતું કે, પ્રજાસત્તાકનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થાય જ્યારે દરેક નાગરિક પોતાની ફરજ પ્રત્યે જાગૃત હોય. પર્યાવરણ જાળવણી હેતુ આપણા ગાંધીનગરને વધુ હરિયાળું રાખવા આપણે ‘પ્લાસ્ટિક મુક્ત’ અભિયાનને વધુ વેગ આપવો પડશે. આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ અને વ્યવસાયમાં કેવી રીતે વધારવો તે આપણું લક્ષ્ય હોવું જોઈએ.

આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આપણા કાર્યક્ષેત્રમાં ઈમાનદારી, નિષ્ઠા અને પારદર્શિતા સાથે કામ કરીશું. આપણું ગુજરાત અને આપણું ગાંધીનગર સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રે’મોડેલ સ્ટેટ’ અને ‘મોડેલ ડિસ્ટ્રિક્ટ’ બની રહે તે માટે કટિબદ્ધ થવા સૌને ડૉ. જયંતી રવિએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિ પ્રજાસત્તાક પરેડનું નિરીક્ષણ કરીને સલામી આપી હતી. ગુજરાત પોલીસ, હોમ ગાર્ડ,ગ્રામ રક્ષક દળના જવાનો  તથા NCCના કુમાર અને કન્યા કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત બોરીજ પ્રાથમિક શાળા, આદરજ મોટી પ્રાથમિક શાળા, જે. એમ. ચૌધરી વિદ્યાલય અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો- કૃતિઓ રજૂ કરતાં સમગ્ર કાર્યક્રમ દેશ ભક્તિમય  બન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા આ પ્રત્યેક સાંસ્કૃતિક કાર્યક્રમ અને કૃતિને રૂ. ૧૧૦૦/- ની રકમ ઇનામ પેટે આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અને પરેડ કમાન્ડર શ્રી ઝુલ્ફીકાર ચૌહાણે પરેડનું સફળ નેતૃત્વ કર્યું હતું.

ઉપસ્થિતિ મહાનુભાવોના  હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી પ્રસંગે ઉચ્ચ સનિદી અધિકારીઓ,ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.