પાકિસ્તાનમાં ટ્રેક પર બ્લાસ્ટ, જાફર એક્સપ્રેસના ૩ ડબ્બા પાટા પરથી ઉતર્યા
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બલૂચોએ ફરી એકવાર રેલવેને નિશાન બનાવીને મોટી તબાહી મચાવી છે. શિકારપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ભયાનક બોમ્બ બ્લાસ્ટ થવાને કારણે ક્વેટાથી રાવલપિંડી જઈ રહેલી જાફર એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.
આ હુમલાની જવાબદારી બલૂચ રિપબ્લિકન ગાડ્ર્સ એ સ્વીકારી છે અને ચેતવણી આપી છે કે, જ્યાં સુધી બલૂચિસ્તાનને આઝાદી નહીં મળે ત્યાં સુધી આવા હુમલા ચાલુ રહેશે.
રિમોટ કંટ્રોલથી ટ્રેક ઉડાવ્યો ઃ પાક. સેનાના અનેક જવાનોના મોતબલૂચ રિપબ્લિકન ગાડ્ર્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ હુમલો ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યો હતો.
સંગઠનના કમાન્ડોએ શિકારપુર અને જેકબાબાદ વચ્ચે આવેલા સુલતાન કોટ કસ્બામાં રેલવે ટ્રેક પર આઈઈડીગોઠવ્યો હતો. જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે રિમોટ કંટ્રોલ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સંગઠનનો દાવો છે કે, ટ્રેનમાં પાકિસ્તાની સેનાના જવાનો મુસાફરી કરી રહ્યા હતા અને આ વિસ્ફોટમાં અનેક જવાનોના મોત થયા છે જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.
જાફર એક્સપ્રેસ છેલ્લા એક વર્ષથી સતત આતંકી સંગઠનોના નિશાના પર રહી છે. આ સિલસિલો ૧૧ માર્ચ ૨૦૨૫ના રોજ બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવેલા હુમલાથી શરૂ થયો હતો.
ત્યારબાદ જૂન, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં પણ આ ટ્રેન પર વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૫માં મસ્તુંગ પાસે થયેલા બ્લાસ્ટમાં મહિલાઓ અને બાળકો સહિત ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.SS1MS
