અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, સાત લોકોના મોત
નવી દિલ્હી, અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલા ભયાનક બરફના તોફાન વચ્ચે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. મેઈન રાજ્યના બેંગોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સાંજે એક પ્રાઇવેટ જેટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું.
આ કરુણ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક ક્‰ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ અનુસાર, આ અકસ્માત રવિવારે સાંજે અંદાજે ૭ઃ૪૫ વાગ્યે બન્યો હતો. બોમ્બાર્ડિયર ચેલેન્જર ૬૫૦ બિઝનેસ જેટ રન-વે પરથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે કોઈક કારણોસર પલટી ખાઈ ગયું હતું. વિમાન પલટી ગયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી.
એરપોર્ટ પ્રશાસને જણાવ્યું કે, ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ આગ એટલી ભયાનક હતી કે સાત મુસાફરોને બચાવી શકાયા નથી.દુર્ઘટના સમયે સમગ્ર વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી હતી અને તાપમાન શૂન્યથી ઘણું નીચે હતું.
ઓછી વિઝિબિલિટી અને બરફના કારણે ઉડાન ભરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું અનુમાન છે. એર ટ્રાફિક કંટ્રોલના રેકો‹ડગ મુજબ, દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા પાયલોટ અને કંટ્રોલર વચ્ચે ડી-આઈસિંગ (વિમાન પરથી બરફ હટાવવાની પ્રક્રિયા) અંગે વાતચીત થઈ હતી. રન-વે નંબર ૩૩ પરથી ઉડાન ભરવાની મંજૂરી મળ્યાની બે મિનિટ બાદ જ કંટ્રોલરે રેડિયો પર તમામ ટ્રાફિક રોકી દેવાની સૂચના આપી હતી.
આ વિમાન હ્યુસ્ટનની એક લિમિટેડ લાયબિલિટી કોર્પાેરેશનના નામે નોંધાયેલું છે. હાલમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને એફએએ દ્વારા આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ અને કાટમાળ હટાવવાની કામગીરીને પગલે બેંગોર એરપોર્ટ આગામી બુધવાર બપોરે ૧૨ વાગ્યા સુધી તમામ કામગીરી માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.SS1MS
