મુંબઈમાં લોકલ ટ્રેનમાં લેક્ચરરની હત્યા કરાઈ
મુંબઈ, મુંબઈમાં મલાડના એસવી રોડ પર આવેલી પ્રખ્યાત નરસી મુન્શી કોલેજ(એનએમ કોલેજ)ના લેક્ચરરની ચાલુ લોકલ ટ્રેનમાં હત્યા થતા હડકંપ મચી ગયો છે. સહયાત્રીએ સામાન્ય બાબતે ઝઘડો કર્યાે હતો અને અન્ય મુસાફરોની હાજરીમાં ચપ્પુ ઝીંકીને ભાગી ગયો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે, ચર્ચગેટથી બોરીવલી આવતી લોકલમાં મલાડ સ્ટેશન પર થયેલા ઝઘડા બાદ લેક્ચરર આલોક કુમાર (૩૩)ની હત્યા કરાઈ હતી. આરોપીએ હથિયારથી આલોક કુમાર પર હુમલો કર્યાે હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આલોકકુમારને પોલીસ કર્મીઓ કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થયું હતું.
પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોર આશરે ૨૫ વર્ષની ઉંમરનો દેખાય છે. ટ્રેનમાંથી લેક્ચરર આલોક કુમાર ઉતરવા લાગ્યા ત્યારે જ ટ્રેનના દરવાજા પાસે આરોપી તેમના પર હુમલો કરીને ભાગી ગયો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આલોકકુમાર સિંહ એનએમ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં ગણિત–આંકડાશાસ્ત્ર વિષય ભણાવતા હતા. વિલે પાર્લેથી બોરીવલી જતી લોકલમાં મુસાફરી કરી રહ્યા હતા. સાંજે ૬ઃ૩૦ વાગ્યે જ્યારે ટ્રેન મલાડ સ્ટેશન પર પહોંચી, ત્યારે તેઓ ઉતરવા માંગતા હતા, પરંતુ આ મુદ્દે સહયાત્રી સાથે ઝઘડો થયો. ટ્રેન મલાડ પહોંચતાં જ આરોપીએ આલોકકુમાર સિંહ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાે.SS1MS
