’તિરંગો લહેરાય છે ગગને, લઈને સ્વપ્ન સૌના સાથનું, ગૌરવ છે મને આ માટીનું, ગૌરવ છે મારા ગણતંત્રનું’:- નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
મકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલમાં આન-બાન-શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો
પોલીસ જવાનોના શૌર્યપૂર્ણ કરતબો અને વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓએ જમાવ્યું આકર્ષણ; વિવિધ વિભાગોના ટેબ્લો દ્વારા સરકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ
અમદાવાદ, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતમાં બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માનનો સૂર્યોદય થયો હતો. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ પવિત્ર ગ્રંથે આપણને સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે.
તેમણે જણાવ્યું કે કનૈયાલાલ મુનશી, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા અનેક બંધારણ ઘડવૈયાઓ ગુજરાતની ધરતીએ આપ્યા છે અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બંધારણીય મૂલ્યોને દેશના વિકાસમાં ચરિતાર્થ કરી રહ્યા છે.
અમદાવાદના ઐતિહાસિક વારસા વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સાબરમતીના સંત મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની આ કર્મભૂમિ સત્ય, અહિંસા અને લોખંડી મનોબળનો સંગમ છે.
તેમણે ૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ ભૂમિએ હંમેશાં દેશને આઝાદી અને વિકાસની દિશા ચીંધી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સર્વસમાવેશક અને ટકાઉ વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. અમદાવાદ આજે ભારતનું પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ બનીને વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
શહેરના આધુનિક માળખાકીય પરિવર્તન વિશે શ્રી સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના વિઝનથી સૂકોભઠ્ઠ રહેતો સાબરમતીનો પટ આજે રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને ક્રૂઝ જેવી સુવિધાઓથી વિશ્વના પ્રવાસન નકશા પર ચમકી રહ્યો છે.
તેમણે જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે સાણંદ, ચાંગોદર અને વિરમગામ આજે ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ હબ બન્યા છે. ધોલેરા ખાતે ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ ‘ફ્યુચર સિટી’ આકાર લઈ રહ્યું છે. સાણંદ અને ધોલેરામાં મળીને કુલ ૪ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ કાર્યરત થવાથી અમદાવાદ દેશનો એકમાત્ર જિલ્લો બનશે, જે ભારતને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં સિંહફાળો અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ઔદ્યોગિક ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતા વિશે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માંડલ-વિઠ્ઠલાપુર વિસ્તાર આજે વિશ્વનું ઓટોમોબાઇલ ઇકોસિસ્ટમ બની ગયું છે. તેમણે હોન્ડા અને સુઝુકી જેવી દિગ્ગજ કંપનીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ખોરજ ખાતે મારુતિ સુઝુકી વાર્ષિક ૧૦ લાખ કાર ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. જ્યારે દેશનો પહેલો પ્રાઇવેટ સેટેલાઇટ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ પણ અમદાવાદ જિલ્લામાં જ આકાર લઈ રહ્યો છે.
વધુમાં, નાયબ મુખ્યમંત્રીશ્રીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર હેઠળ લોથલ ખાતે બની રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિશે વાત કરતા કહ્યું હતું કે આ મ્યુઝિયમ ભારતની હજારો વર્ષ જૂની દરિયાઈ વેપાર સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરશે. પર્યાવરણની જાળવણી માટે નળ સરોવર પક્ષી અભયારણ્ય એ આપણી ધરોહર છે. પર્યાવરણ સંરક્ષણ માટે આપણે ‘મિશન ફોર મિલિયન ટ્રી’ જેવાં અભિયાનો પર ભાર મૂક્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ હવે ‘સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા’ તરીકે ઊભરી રહ્યું છે અને ૨૦૩૬ના ઓલિમ્પિકની યજમાની માટે સજ્જ થઈ રહ્યું છે. તેમણે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ જેવી વૈશ્વિક ઇવેન્ટ્સ પણ અહીં યોજાવાની છે.

શ્રી સંઘવીએ ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ જેવી યોજનાઓ દ્વારા લાખો વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સતત પાંચમી વાર ‘બેસ્ટ પર્ફોમર’ જાહેર થયું હોવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આપણું યુવાધન હવે ‘જોબ સીકર નહીં પણ જોબ ગિવર’ બની રહ્યું છે.
વધુમાં, તેમણે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ દ્વારા મહેસાણા અને રાજકોટમાં થયેલા કરોડોના MoUs, દાવોસ વર્લ્ડ ઇકોમિક ફોરમમાં ગુજરાતનો ડંકો અને જર્મન ચાન્સેલર તેમજ UAEના વડાની મુલાકાતોથી વધેલી વૈશ્વિક શાખનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રવાસન ક્ષેત્રે ૨૦૨૬ના વર્ષને ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત સાથે અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ગિરનાર, દ્વારકા સહિતના યાત્રાધામો ખાતેના વિકાસ કાર્યોની માહિતી તેમણે આપી હતી. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના સંકલ્પને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વ’ને તેમણે શિવ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક સ્વાભિમાનનું પર્વ ગણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની મજબૂત સ્થિતિ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે આગળ વધી રહી છે. ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 5,482 જેટલા ડ્રગ્સ પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મહિલા સુરક્ષા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દીકરીઓ પર અત્યાચાર ગુજારનારા 14 નરાધમોને ફાંસીની સજા અપાવી ગુજરાત દેશભરમાં ઝડપી ન્યાય પ્રક્રિયામાં ટોચના ક્રમે છે. આ ઉપરાંત, 907 ગુનેગારોને આજીવન કેદ અને 1,500થી વધુ કેસોમાં માત્ર 15 થી 30 દિવસમાં ચાર્ટશીટ દાખલ કરી પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં વર્ષ 2025માં જ 338 ગુંડાઓને જેલભેગા કરાયા છે. પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકોને શોધવાના અભિયાનમાં 66,497 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી 17,471 બાળકોને છેલ્લા પાંચ વર્ષમાં તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવાયું છે. ગુંડા તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવીને તે જમીનનો ઉપયોગ નાગરિકોના હિતમાં કરવાની નેમ પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.
આ ઉજવણી અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક અને સાહસિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શિવ સ્તુતિ, યોગ પ્રદર્શન, લોકનૃત્ય અને પિરામિડ ફોર્મેશન જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા શક્તિ અને શિસ્તના દર્શન કરાવતા ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ પ્રદર્શન, રાયફલ ડ્રીલ અને એસ.ઓ.જી. (SOG) ડ્રીલના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા ટેબ્લો પ્રદર્શન દ્વારા જનકલ્યાણકારી યોજનાઓની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ અવસરે ‘ટ્રાફિક એક્શન પ્લાન’ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટ વિતરણ, પર્યાવરણ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા ‘ પિકલ બોલ’ કોર્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ તકે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને પણ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન પત્ર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જિલ્લા પોલીસ વડા શ્રી ઓમપ્રકાશ જાટ, ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલ તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
