Western Times News

Gujarati News

મંગેતર સામે ખોટી ફરિયાદ ન કરવા બદલ સગીરાને પિતા અને બનેવીએ માર માર્યો

અમદાવાદ, શહેરના ફતેવાડીમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ પિતા અને જીજાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાની સગાઇ બાદ તે મંગેતર સાથે વાત કરતી હતી. જેને લઇને તેના પિતાએ માર માર્યાે હતો અને મંગેતર સામે ખોટી ફરિયાદ નોંધાવવા દબાણ કર્યુ હતું.

સગીરાએ ફરિયાદ ન નોંધાવી પોલીસને હકીકત જણાવતા ઘરે જઇને પિતા અને જીજાજીએ માર માર્યાે હતો. સારવાર બાદ તેના પિતાએ ફરી બેલ્ટથી ફટકારીને કાઢી મૂકી હતી. સગીરા મિત્રની ભાભીના ત્યાં રહેવા મજબૂર બની હતી.

અંતે કંટાળેલી સગીરાએ તેના પિતા અને જીજાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફતેવાડીમાં રહેતી ૧૭ વર્ષની સગીરાની દિલ્હીમાં રહેતા યુવક સાથે સગાઈ થઇ હતી. સગાઇ થયા બાદ સગીરા તેના મંગેતર સાથે ફોન પર વાત કરતી હતી. જે વાતને લઇને તેના પિતા અને જીજાજીએ માર માર્યાે હતો.

સગીરાના પિતા જબરદસ્તીથી તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને મંગેતર સામે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવા દબાણ કર્યુ હતું. જોકે, સગીરાએ પોલીસને સમગ્ર સાચી હકીકત જણાવીને ફરિયાદ નોંધાવી નહોતી. જેથી તેના પિતા અને જીજાજીએ તેને ફરી માર માર્યાે હતો. સગીરાને સારવાર માટે સોલા સિવિલ લઇ જવામાં આવી હતી. જે બાદ સગીરાને તેના પિતા ફોઇના ઘરે લઇ ગયા હતા અને ત્યાં ફરીથી બેલ્ટ વડે માર માર્યાે હતો.

આ ઘટના બાદ સગીરા ગુમસુમ બેસી રહેતી હતી. જેથી તેના પિતાએ ગુમસુમ કેમ બેસી રહે છે તેમ પૂછીને ફરીથી ઝઘડો કરીને અપમાનિત શબ્દો બોલીને સગીરાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી સગીરા તેના મિત્રનો સંપર્ક કરીને મિત્રની ભાભીના ઘરે રહેવા મજબૂર બની હતી. અંતે કંટાળીને સગીરાએ પિતા અને જીજાજીના માર મારવા અને ત્રાસ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.