નાજ ગામમાંથી છ બાંગ્લાદેશી ઝબ્બે, અગાઉ ચંડોળામાં રહેતા હતા
અમદાવાદ, દેશમાં ઘૂસણખોરી કરીને રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ હજુ પણ પોલીસની લાલઆંખ છે. તેવામાં અસલાલી પોલીસે કુલ છ બાંગ્લાદેશીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ છ લોકો અગાઉ ચંડોળા તળાવ ખાતે રહેતા હતા, પરંતુ ત્યાં તંત્રએ બુલડોઝર ચલાવ્યા બાદ ત્યાંથી નીકળીને અઢી માસથી નાજ ગામે રહેતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ગ્રામ્યમાં હજુય કેટલાક ગેરકાયદે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે. તેવામાં અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે આ મામલે વિવિધ શંકાસ્પદ જગ્યાએ તપાસ કરી હતી.
તપાસ દરમિયાન બારેજા નાજ ગામ ખાતે વાડી વિસ્તારમાંથી સંદિગ્ધ લોકો મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા આ તમામ લોકો ગેરકાયદે ઘૂસણખોરો હોવાનું સામે આવ્યું હતું.
અસલાલી પોલીસે કોલોન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા, રીબાખાતુન મોલ્લા તથા ત્રણ બાળકોને ડિટેઇન કર્યા હતા. પોલીસે આ તમામની પૂછપરછ હાથ ધરતા તેઓ તેમના કુશલા ગામથી નીકળીને સતખીરા બોર્ડર ખાતેથી ગેરકાયદે ભારતની સરહદમાં ઘુસ્યા હતા.
બાદમાં ચોરીછુપીથી બાસીરહટ ખાતે આવીને ટેક્સી મારફતે કોલકાતા રેલવે સ્ટેશન આવીને કાલુપુર ઉતર્યા હતા. જે બાદ આ તમામ લોકો ચંડોળા તળાવ ખાતે દસ વર્ષથી રહેતા હતા, પરંતુ તંત્રએ ચંડોળા તળાવની ગેરકાયદે મિલકતો તોડી નાખતા અઢી માસ પહેલા નાજ ગામમાં આવીને રહ્યા હોવાનું સામે આવ્યું છે.SS1MS
