અમરેલીઃ લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે ૧૫ લોકોને ઈજા
અમરેલી, અમરેલી જિલ્લાના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દેવીપૂજક સમાજના લગ્નપ્રસંગમાં મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, જમણવારમાં રોટલી પીરસવા જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, ધારીના ખીસરી ગામે જાનૈયા અને માંડવીયા વચ્ચે ધીંગાણું ખેલાયું હોવાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
જેમાં અમરેલીના ચક્કરગઢ ગામેથી આવેલી જાન બાદ કોઈ કારણોસર બંને પક્ષે ઉગ્ર બોલાચાલી બાદી મામલો બીચક્યો હતો. જેમાં જાનૈયા અને માંડવીયા બંને પક્ષે લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કર્યાે હતો. ઉગ્ર બનેલા ટોળાએ આખુ ગામ જાણે માથે લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
મારામારીની ઘટનામાં ૧૫ જેટલાં લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યા હતા. જેમાં બે વ્યક્તિની તબિયત વધુ બગડતાં અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાને પગલે ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલાની ઘટનાને લઈને પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત સહિતના સ્થાનિકોના નિવેદન મેળવી અને વીડિયોના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
