Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું

ગાંધીનગર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે, ઠાકોર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે ૩ વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા હતા.આ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.

અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. તમામ નેતાઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે સમાજની પ્રગતિનો એકમાત્ર માર્ગ શિક્ષણ અને વ્યસનમુક્તિ છે.

ઠાકોર સમાજના સંમેલનમાં સંબોધન કરતાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ‘આ સંમેલન રાત્રે ૩ વાગ્યે બોલાવવા પાછળ અનેક શંકાઓ હતી, પરંતુ ઠાકોર સમાજની આ એકતા ૧૫ વર્ષના સંઘર્ષનું પરિણામ છે. આજે સરકારના મંત્રીઓથી લઈને ધારાસભ્યો એક મંચ પર છે તે સમાજની વધતી તાકાત દર્શાવે છે.’સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આપણો સમાજ હવે પટાવાળા કે સિક્યુરિટી ગાર્ડની નોકરીમાંથી બહાર આવી ૈંછજી-ૈંઁજી બને તે જરૂરી છે.

દીકરીઓના લગ્ન ૧૨મા ધોરણ પછી જ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ. દરેક તાલુકામાં દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવી એ સમયની માંગ છે.’આ સંમેલનમાં બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘દેશની આઝાદી અને જે.પી. આંદોલન પછી આ ત્રીજી એવી ઘટના છે જ્યાં જનમેદની અડધી રાત્રે જાગૃત થઈને એકઠી થઈ છે. આમાંથી આપણે કંઈક શીખવાનું છે અને જાગૃત બનવાનું છે. આ પરિવર્તનના સંકેત છે.’

કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી. લોકગાયક કીર્તિદાન ગઢવી અને રાકેશ બારોટના ગીતો પર યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સંમેલનના અંતે અડાલજ ખાતે નિર્માણ પામનાર ‘શ્રી સરસ્વતી ધામ‘ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેનું વિધિવત ભૂમિપૂજન કરાયું હતું.

આ ધામ આગામી સમયમાં સમાજના બાળકો માટે શિક્ષણનું કેન્દ્ર બનશે.વર્ષ ૨૦૧૬માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શરૂ કરાયેલ સામાજિક સુધારણાના અભિયાનને આજે ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આ દાયકા દરમિયાન વ્યસનમુક્તિ અને જાગૃતિ ક્ષેત્રે થયેલા સુધારાને આ સંમેલન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.