18 વર્ષની લાંબી સફરનો અંત: યુરોપ અને ભારતેે આજે ટ્રેડ ડીલમાં ઇતિહાસ રચ્યો
ભારતમાં BMW અને મર્સિડીઝ-બેન્ઝ જેવી યુરોપિયન કાર પરનો ટેક્સ 110% થી ઘટાડીને 10% કરવામાં આવશે. વધુમાં, યુરોપિયન દારૂ અને વાઇન પરના ટેક્સમાં ઘટાડો થઈ શકે છે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: “તમામ સોદાઓની જનની” તરીકે ઓળખાવી
નવી દિલ્હી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે ભારત-EU મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) ના સફળ નિષ્કર્ષની જાહેરાત કરી હતી, અને આ કરારને “તમામ સોદાઓની જનની” (mother of all deals) તરીકે ગણાવ્યો હતો.
યુરોપિયન કમિશનના પ્રમુખે X (ટ્વિટર) પર લખ્યું કે, “યુરોપ અને ભારત આજે ઇતિહાસ રચી રહ્યા છે. અમે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ પૂર્ણ કરી છે. અમે બે અબજ લોકોનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર બનાવ્યું છે, જેનાથી બંને પક્ષોને ફાયદો થશે.” તેમણે વધુમાં ઉમેર્યું, “આ તો માત્ર શરૂઆત છે. અમે અમારા વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવીશું.”

આ કરાર હેઠળ, ભારત યુરોપના અનેક ઉત્પાદનો પરના ભારે ટેકસને દૂર કરવા અથવા નોંધપાત્ર રીતે ઘટાડવા સંમત થયું છે, જેમાં કેમિકલ, વિમાન, અંતરિક્ષના સાધનો અને મેડિકલના સાધનોનો સમાવેશ થાય છે. લગભગ 90% મેડિકલ અને સર્જિકલ સાધનો હવે કરમુક્ત થશે.
આ ડીલ બાદ, ભારતમાં BMW અને મર્સિડીઝ-બેન્ઝ જેવી યુરોપિયન કાર પરનો ટેક્સ 110% થી ઘટાડીને 10% કરવામાં આવશે. વધુમાં, યુરોપિયન દારૂ અને વાઇન પરના ટેક્સમાં ઘટાડો થઈ શકે છે.
અગાઉ, મંગળવારે એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારત અને EU વચ્ચે FTA પર કરાર થયો છે. વિશ્વભરમાં તેની ચર્ચા “મધર ઓફ ઓલ ડીલ” તરીકે થઈ રહી છે.
આર્થિક અને વ્યાપારિક અસરો
ભારતની નિકાસ પરના 97 ટકા ટેરિફ (જકાત) દૂર કરીને, આ સોદો ભારતીય ઉત્પાદન ક્ષેત્ર—ખાસ કરીને કાપડ, રત્ન-ઝવેરાત અને ચામડાના ઉદ્યોગને મોટો વેગ આપશે. બીજી તરફ, તે યુરોપિયન કાર અને મશીનરી માટે ભારતીય બજારના દરવાજા ખોલશે.
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ પણ જણાવ્યું હતું કે તેઓ “સમાન મૂલ્યો અને ઉચ્ચ મહત્વાકાંક્ષા પર આધારિત યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે વધુ મજબૂત ભાગીદારી” ની અપેક્ષા રાખે છે. તેમણે ઉમેર્યું, “આજનો દિવસ આપણા નાગરિકો માટે મૂર્ત લાભો પહોંચાડવાનો છે. આપણી સહિયારી સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરવાનો અને વૈશ્વિક મુદ્દાઓ પર નેતૃત્વ દર્શાવવાનો આ અવસર છે.”
18 વર્ષની લાંબી મુસાફરીનો અંત
હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલ આ શિખર સંમેલન 18 વર્ષની લાંબી મુસાફરીના અંત સમાન છે, કારણ કે ભારત અને યુરોપિયન યુનિયને સત્તાવાર રીતે તેમના મુક્ત વ્યાપાર કરારને અંતિમ ઓપ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટાનું સ્વાગત કર્યું હતું અને આ કરારને બે વૈશ્વિક દિગ્ગજો વચ્ચેની “ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ” ગણાવ્યું હતું.
