Western Times News

Gujarati News

સાણંદ મોડાસર મંદિરની 4 લાખની ચોરાયેલી ચાંદી સાથે આરોપીની ધરપકડ

AI Image

સાણંદના મોડાસર મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો

(એજન્સી)સાણંદ, સાણંદ તાલુકાના મોડાસર ગામે આવેલા પૌરાણિક મંદિરમાં થયેલી ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખસની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૪.૨૨ લાખની કિંમતના ચાંદીના ૧૭ સિક્કા અને અન્ય કિંમતી વસ્તુઓ રિકવર કરી છે. પવિત્ર યાત્રાધામમાં ચોરીની ઘટનાથી ભક્તોમાં ફેલાયેલા રોષ વચ્ચે પોલીસે આરોપીને દબોચી લેતા રાહતની લાગણી ફેલાઈ છે.

પોલીસ વિગતો અનુસાર, ગત ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ની રાત્રે મોડાસર ગામમાં આવેલા મેલડી માતાના મંદિરના તાળા તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા નાના-મોટા ૧૭ ચાંદીના સિક્કા અને અન્ય કિંમતી વસ્તુ મળીને કુલ ૧.૧૫ કિલોગ્રામનો સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા.

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી ગેંગ સક્રિય થતા ગ્રામ્ય એલસીબીની ખાસ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની સચોટ માહિતીને આધારે પોલીસે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા એક શખસની અટકાયત કરી હતી.

પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ મોડાસરના મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા આરોપીની ઓળખ કિરપાલસિંહ વાઘેલા (રહે. દરબાર વાસ, રેથલ ગામ, સાણંદ) તરીકે થઈ છે.

વસ્તુઓઃ ૧૭ નંગ ચાંદીના સિક્કા અને અન્ય પૂજાની વસ્તુઓ. આ અંગે ચાંગોદર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી કિરપાલસિંહ જિલ્લામાં અન્ય કોઈ મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો છે કે કેમ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.