ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલને પગલે ટ્રમ્પના પેટમાં તેલ રેડાયુ
(એજન્સી)નવી દિલ્હી, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ની જાહેરાત થઈ ગઈ છે. આ ડીલ વિશ્વની અર્થવ્યવસ્થાની નજરે ખૂબ મહત્ત્વની છે. જોકે ભારત અને યુરોપની આ સફળતા જોઈને અમેરિકાની અકળામણ વધી છે. અમેરિકા હવે ખૂલીને યુરોપથી નારાજગી વ્યક્ત કરી રહ્યું છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત અને યુરોપની ટ્રેડ ડીલ અંગે પ્રહાર કરતાં કહ્યું છે કે, યુરોપના દેશો તેમના વિરુદ્ધ થઈ રહેલા યુદ્ધને જ ફંડ આપી રહ્યા છે. ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે તેથી અમે તેના પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છે. તેમ છતાં યુરોપના દેશો ભારત સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહે છે.
ભારત અને યુરોપે ગઈકાલે મુક્ત વેપાર સમજૂતી અંગે વાટાઘાટો સંપન્ન કરી હતી, જેની આજે સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ ડીલથી બંને પક્ષે રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. જો કે, આ ડીલ તબક્કાવાર ડીલ લાગુ કરાશે. યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે.
આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે ૨૬ જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને ૨૭ જાન્યુઆરીએ આયોજિત ૧૬માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ આૅલ ડીલ્સ’ કહે છે.
ભારતના આગ્રહ પર કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સને આ ડીલમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ સિવાય ભારત અને યુરોપ વચ્ચે ડિફેન્સ અંગે પણ મહત્ત્વની ડીલ થઈ શકે છે. જેમાં સાયબર સિક્્યુરિટી, આતંકવાદ વિરુદ્ધ લડત, સમુદ્રી સુરક્ષા સામેલ છે.
