Western Times News

Gujarati News

સાઉદી અરેબિયા અમેરિકાને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દે

રિયાધ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેહરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે કોઈ પણ દેશને પોતાના હવાઈ ક્ષેત્ર અથવા જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.

સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ મંગળવારે મોડી રાત્રે ઈરાની પ્રમુખ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી આ ખાતરી આપી હતી.વાતચીત દરમિયાન સાઉદી અરેબિયાએ ઈરાનની સાર્વભૌમત્વ પ્રત્યેના સન્માનની પુષ્ટિ કરી હતી. ક્રાઉન પ્રિન્સે સ્પષ્ટ કર્યું કે સાઉદી અરેબિયા પોતાના ક્ષેત્રને તેના પ્રાદેશિક પ્રતિસ્પર્ધી (ઈરાન) વિરુદ્ધ કોઈપણ સૈન્ય હુમલા માટે ‘લોન્ચપેડ’ તરીકે ઉપયોગ કરવા દેશે નહીં.

આ નિર્ણયને પ્રાદેશિક સ્થિરતા જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.સાઉદી અરેબિયાની જેમ જ સંયુક્ત આરબ અમીરાતએ પણ કડક વલણ અપનાવ્યું છે. સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેમનો દેશ પોતાના હવાઈ ક્ષેત્ર, જમીન કે સમુદ્રનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે થવા દેશે નહીં. યુએઈ એ ક્ષેત્રીય તટસ્થતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.

આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર્સ અને યુદ્ધ જહાજો મધ્ય પૂર્વમાં પહોંચી ગયા છે. યુએસ નેવીનું ‘અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્›પ’ સોમવારે સેન્ટ્રલ કમાન્ડના વિસ્તારમાં પહોંચ્યું હતું.

આ જહાજોને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાંથી હટાવીને ખાસ ઈરાન સાથેના વધતા તણાવને પહોંચી વળવા માટે અહીં મોકલવામાં આવ્યા છે, જેનાથી ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હવાઈ હુમલાની અટકળો તેજ થઈ છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર સખત વલણ ધરાવે છે અને તેહરાન પર હવાઈ હુમલાના આદેશ આપી શકે તેવી શક્યતાઓ વચ્ચે મુસ્લિમ દેશોનું આ વલણ અમેરિકા માટે પડકારરૂપ બની શકે છે. જો સાઉદી અને સંયુક્ત આરબ અમીરાત રસ્તો ન આપે તો અમેરિકાએ હુમલા માટે લાંબો અને ખર્ચાળ માર્ગ અપનાવવો પડી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.