યુજીસીની નવી ગાઈડલાઈન સામે દેશભરમાં વિરોધ
નવી દિલ્હી, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ તાજેતરમાં જાહેર કરેલી નવી ગાઈડલાઈન સામે દેશવ્યાપી વિરોધ વધુ પ્રબળ બન્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને યુવાનોએ સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા ૧લી ફેબ્›આરીએ ભારત બંધનું એલાન આપ્યું છે.
દેશના સંખ્યાબંધ રાજ્યોમાં લોકોએ રસ્તા પર વિરોધ પણ કરી રહ્યા છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓએ તેમને અન્યાય થવાની આશંકાએ આ સુધારેલી ગાઈડલાઈન્સ તાત્કાલિક પરત ખેંચવા માંગ કરી છે. જાન્યુઆરીમાં સૂચિત કરાયેલી યુજીસીની નવી માર્ગદર્શિકાથી વર્ગ વિગ્રહ વધુ વકરી શકે છે.
બિન અનામત ખાસ કરીને ઉચ્ચ જાતિના વર્ગમાં યુજીસીની સુધારેલી માર્ગદર્શિકાને લઈને કચવાટ છે. સામાન્ય જાતિના લોકોના મતે આ નિષ્પક્ષ માર્ગદર્શિકા નથી. તે સમાનતાને બદલે ભેદભાવ તથા નફરતને બળ પુરું પાડી શકે છે.
વિરોધકર્તાઓએ જણાવ્યું કે, ભેદભાવ સામેની કાર્યવાહી નિષ્પક્ષ હોય તે જરૂરી છે, ભલે પીડિત અથવા આરોપીની જાતિ ગમે તે હોય. ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ પણ ઉત્પીડનનો ભોગ બનતા હોય છે જેથી તેમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માગ દેખાવકારોએ કરી હતી.યુજીસીની સુધારેલી માર્ગદર્શિકામાં જાતિગત ભેદભાવનો અર્થ ફક્ત એસસી, એસટી અને ઓબીસી વિરુદ્ધના ભેદભાવને ગણાવ્યો છે.
વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પર્ધાને આશ્વાસન આપતા જણાવ્યું કે, નિયમોનો દુરૂપયોગ નહીં થાય તથા કોઈપણ સાથે ભેદભાવ થશે નહીં. ભેદભાવના નામે કોઈ પણ આ નિયમોનો દુરૂપયોગ કરી શકશે નહીં. યુજીસી, કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારી રહેશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશનમાં દલીલ કરાઈ છે કે, નિયમ ૩(સી) નો વર્તમાન સ્વરૂપમાં લાગુ કરવાથી રોકવા નિર્દેશ આપવામાં આવે. અરજીમાં એવો દાવો કરાયો છે કે જાતિ આધારિત ભેદભાવના કેસમાં ફક્ત એસસી, એસટી તથા ઓબીસીને અવકાશ રહે છે.SS1MS
