જૂનાગઢમાં ૩૦૫ કરોડના સાયબર ફ્રોડમાં ભાજપ કોર્પાેરેટર સહિત ૪નું સરઘસ નીકળ્યું
જૂનાગઢ, જૂનાગઢ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સાયબર કૌભાંડ અને સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ગેમ્બલર ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૩૦૫ કરોડના આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના ચાલુ કોર્પાેરેટર, પૂર્વ કોર્પાેરેટર સહિત ચાર આરોપીઓને આજે પોલીસ સુખનાથ ચોક વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી.
તપાસ દરમિયાન આરોપીઓ લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા અને જાહેરમાં હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા. સત્તાધારી પક્ષના ચાલુ કોર્પાેરેટર સામે ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે.પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ દ્વારા ૧૯૨ જેટલા ભાડાના બેંક ખાતાઓ ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાંથી બાવન ખાતા માત્ર જૂનાગઢના હતા.
ઓનલાઈન ગેમિંગ અને સાયબર છેતરપિંડી દ્વારા મેળવાયેલા નાણાં આંગડિયા મારફતે ભાવનગર મોકલાતા અને ત્યાંથી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી દુબઈ મોકલવામાં આવતા હતા. પોલીસની ટીમે રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કરી પાસપોર્ટ, ચેકબુક અને મહત્વના ડિજિટલ દસ્તાવેજો જપ્ત કર્યા છે.
ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સ્થાનિક મીડિયાને જણાવ્યા અનુસાર આ ગેંગ સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતના ૧૪થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ભાજપના કોર્પાેરેટર અબ્બાસ કુરેશી સામે ૧૨ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પોલીસે જનતાને અપીલ કરી છે કે જો આ ગેંગ દ્વારા કોઈને પણ શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા મિલકત પચાવી પાડવામાં આવી હોય, તો તેઓ નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરે. હાલ પોલીસ આ આખા કૌભાંડના દુબઈ કનેક્શન અને અન્ય આરોપીઓ અંગે ઊંડી તપાસ ચલાવી રહી છે.SS1MS
