મહાકાલ મંદિરમાં વીઆઈપી દર્શન પર રોકની માંગ કરતી અરજી ફગાવાઈ
નવી દિલ્હી, મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જ્યોતિ‹લગ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે વીઆઈપી દર્શન અને ગર્ભગૃહમાં પ્રવેશની વ્યવસ્થાને પડકારતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ વીઆઈપી હોતું નથી.’જો કે, આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે, ગર્ભગૃહમાં કોણ પ્રવેશ કરશે અને કોણ નહીં, તેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર (કલેક્ટર) પાસે છે.
કોર્ટે અરજદારને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાની માંગણી મંદિર સમિતિ સમક્ષ મૂકે. આ સાથે કોર્ટે ટાંક્યું કે ધાર્મિક સ્થળોના આંતરિક નિયમો અને વ્યવસ્થામાં કોર્ટ દખલગીરી નહીં કરે.અરજદારનો આરોપ હતો કે છેલ્લા અઢી વર્ષથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ગર્ભગૃહમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ વીઆઈપી અને લાગવગ ધરાવનાર હસ્તીઓને નિયમો તોડીને અંદર જવા દેવામાં આવે છે.
આ અરજીમાં દલીલ કરાઈ હતી કે આ વ્યવસ્થા બંધારણના સમાનતાના અધિકાર(કલમ ૧૪)નું ઉલ્લંઘન છે. જેનો અરજદાર તરફથી પક્ષ રાખતાં વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ‘ગર્ભગૃહમાં કોને પ્રવેશ આપવો તે અંગે એક સમાન નીતિ હોવી જોઈએ. શું વ્યક્તિ વિશેષ એટલે કે વીઆઇપી લોકોને ગર્ભ ગૃહમાં જવાની મંજૂરી છે? તમે વીઆઈપી પ્રવેશની મંજૂરી આપી ન શકો અને જો આપો તો બીજાને વંચિત ન રાખી શકો.
ઉલ્લેખનીય છે કે આૅગસ્ટ ૨૦૨૫માં મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેંચે પણ આવી જ એક અરજીને નકારી દીધી હતી, હાઇકોર્ટે પણ તે સમયે કહ્યું હતું કે ઉજ્જૈન જિલ્લા કલેક્ટર અને મંદિર પ્રશાસન જ આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.મહાકાલ મંદિરમાં કોરોના મહામારીના સમયથી ગર્ભગૃહમાં સામાન્ય દર્શન બંધ છે.
શ્રદ્ધાળુઓ હાલ બહારથી જ બાબા મહાકાલના દર્શન કરી શકે છે. જોકે, અવારનવાર વીઆઈપી નેતાઓ અને મોટા અધિકારીઓના ગર્ભગૃહ પ્રવેશ દૃશ્યો સામે આવે છે, જેથી સામાન્ય ભક્તોમાં રોષ જોવા મળે છે.SS1MS
