પોરબંદરનો યુવક યુકે જતી વખતે બોગસ વિઝા સાથે ઝડપાયો
અમદાવાદ , શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર બોગસ વિઝાના આધારે વિદેશ જવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડન જવા નીકળેલા પોરબંદરના એક મુસાફરને ઈમિગ્રેશન વિભાગે શંકાસ્પદ દસ્તાવેજો સાથે ઝડપી લીધો છે. યુકેના ઓનલાઈન પોર્ટલ પર ડેટા મેચ ન થતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, જેના પગલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૨૬ જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-૧૫૯ અમદાવાદથી લંડન (ગેટવિક) જવા રવાના થવાની હતી. આ દરમિયાન ઈમિગ્રેશન કાઉન્ટર નંબર ૩ (ટી-૨) પર ફરજ બજાવતા અધિકારી ભરતજી ઠાકોર પાસે પોરબંદરના બખરલા ગામનો રણજીત વિરમભાઈ ખુંટી (ઉં.વ. ૨૯) નામનો મુસાફર ક્લિયરન્સ માટે આવ્યો હતો. ઈમિગ્રેશન ઓફિસરે જ્યારે રણજીતના દસ્તાવેજો તપાસ્યા ત્યારે તેની પ્રોફાઈલ શંકાસ્પદ જણાઈ હતી.
મુસાફરે તેના ઈમિગ્રેશન સ્ટેટસ માટે યુકે ગવર્નમેન્ટનો એક ‘શેર કોડ’ રજૂ કર્યાે હતો. જોકે, જ્યારે અધિકારીએ યુકે સરકારની સત્તાવાર વેબસાઈટ પર આ કોડ અને વિગતો ચેક કરી, ત્યારે પોપ-અપ મેસેજ આવ્યો હતો કે ‘ ધ ડિટેઈલ એન્ટર્ડ ડુ નોટ મેચ અવર રેકોર્ડ’ બાદમાં ઈમિગ્રેશન વિભાગની પ્રાથમિક તપાસ બાદ એરલાઈન્સ કંપની દ્વારા પણ લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે, મુસાફર દ્વારા રજૂ કરવામાં આવેલા વિઝા બનાવટી છે.
આથી એરલાઈન્સે મુસાફરને ઓફલોડ કરવા અને તેનું ઈમિગ્રેશન કેન્સલ કરવા વિનંતી કરી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે, રણજીત ખુંટી વિઝા બનાવટી હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ મામલે ઈમિગ્રેશન ઓફિસર ભરતજી ઠાકોરની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રણજીત ખુંટી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો છે.SS1MS
