બાંગ્લાદેશે ભારતનો ૯૬૦ કરોડનો પ્રોજેક્ટ રદ કરી નાખ્યો
નવી દિલ્હી, બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સતત ખટરાસ જોવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ભારતનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રદ કરીને ભારતને મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માર્યાે છે.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓની જાહેરાત સાથે જ મોહમ્મદ યુનુસની વિદાય નક્કી થઈ ગઈ છે, પરંતુ સત્તા છોડતા પહેલા તેમણે ભારત સામે દુશ્મનાવટ કાઢવાનું કામ કર્યું છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં પ્રસ્તાવિત ‘ઈન્ડિયન ઇકોનોમિક ઝોન’ ને સંપૂર્ણપણે રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ માટે ભારતે કરોડો રૂપિયાની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી, જે હવે અભરાઈએ ચડી ગઈ છે.
ઢાકામાં આર્થિક ક્ષેત્ર સત્તામંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, જે જમીન પર ભારતની ટાટા અને અદાણી જેવી મોટી કંપનીઓ ફેક્ટરીઓ સ્થાપવાની હતી, હવે ત્યાં બાંગ્લાદેશ સરકાર ‘ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક’ બનાવશે. બેઝાના કાર્યકારી અધ્યક્ષ ચૌધરી આશિક મહમૂદ બિન હારૂને સ્પષ્ટ કર્યું કે હવે આ વિશાળ જમીન પર ભારતનો આર્થિક ઝોન નહીં, પરંતુ યુદ્ધ માટેના સાધનો અને ગોળા-બારૂદ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ રદ કરવા પાછળ બાંગ્લાદેશ સરકારે એવો તર્ક આપ્યો છે કે દુનિયામાં અત્યારે જે રીતે યુદ્ધો ચાલી રહ્યા છે, તે જોતા દેશે આધુનિક ફાઇટર જેટ્સ કરતા પાયાના હથિયારો અને દારૂગોળાના ઉત્પાદનમાં સ્વનિર્ભર થવાની જરૂર છે. તેમણે કહ્યું કે વિદેશી રોકાણ કરતા અત્યારે દેશની રક્ષા માટે હથિયારો બનાવવા વધુ જરૂરી છે. જોકે, નિષ્ણાતો આ નિર્ણયને ભારત સાથેના સંબંધો તોડવાની ચાલ ગણાવી રહ્યા છે.SS1MS
