રણબીરે એનિમલ પાર્ક પડતી મુકાયાની વાત ફગાવી, ૨૦૨૭માં શૂટ શરૂ કરશે
મુંબઈ, છેલ્લાં ઘણા વખતથી રણબીર કપૂર ભણસાલીની ‘લવ એન્ડ વાર’માં વ્યસ્ત છે, તેની આગળ પાછળ તે પોતાની ‘રામાયણ’નું પણ શૂટ કરતો રહ્યો છે. તેથી કેટલાક એવા અહેવાલો હતા કે સંદીપ રેડ્ડી વાંગા સાથેની તેની એનિમલ ફિલ્મની સિક્વલ એનિમલ પાર્ક પડતી મુકાઈ છે. પરંતુ હવે રણબીર કપૂરે પોતે આ વાતને ફગાવી દીધી છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રણબીરે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે સંદીપ રેડ્ડી વાંગા પણ હાલ પ્રભાસ સાથે તેની ફિલ્મ ‘સ્પિરિટ’માં વ્યસ્ત છે. આ ફિલ્મ પુરી થયા પછી તે એનિમલ પાર્કનું કામ શરૂ કરશે અને ૨૦૨૭માં આ ફિલ્મ શરૂ થવાની શક્યતા છે.
રણબીર કપૂરે જણાવ્યું, “ડાયરેક્ટર હાલ બીજી એક ફિલ્મ બનાવી રહ્યા છે. અમે આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૭માં શરૂ કરીશું. હજુ થોડો સમય છે.”જ્યારે રણબીરે એનિમલ પાર્કની સ્ક્રિપ્ટ અને આ ફિલ્મના તેના પાત્ર તેમજ તેના પડકારો અંગે કહ્યું, “તેણે (સંદીપ રેડ્ડી વાંગાએ) ફિલ્મ સાથે શું કરવું છે તેનો થોડો સંકેત આપ્યો છે. તે આ ફિલ્મને ત્રણ ભાગોમાં બનાવવા માગે છે.
આ ફિલ્મનો બીજો ભાગ એનિમલ પાર્ક કહેવાશે.”રણબીરેએ વધુમાં જણાવ્યું, “પહેલી ફિલ્મથી જ અમે સ્ટોરીને આગળ કેવી રીતે લઈ જવી તેના વિચારો શેર કરતા આવ્યા છીએ. આ ખૂબ જ રોમાંચક વાત છે, કારણ કે હવે હું ફિલ્મમાં બે પાત્રો ભજવવાનો છું—એક નાયક અને એક ખલનાયક. સંદીપ રેડ્ડી વાંગા એક બહુ જ અનોખા ડિરેક્ટર છે. આ ફિલ્મનો ભાગ બનવા બબાતે હું ખૂબ ઉત્સુક છું.”
રણબીરની આ ફિલ્મના પહેલા ભાગ બાબતે પણ ઘણા વિવાદ થઈ ચુક્યા છે. ત્યારે હવે ડબલ રોલને દર્શકો કેટલો સ્વીકારશે, તે અંગે રણબીરે કહ્યું કે, હવે ફિલ્મમાં ખલનાયક પ્લાસ્ટિક સર્જરી કરાવીને રણબીર બનીને આવે છે, બોડી ડબલ બની જાય છે અને અંતે નાયક જેવો દેખાવા લાગે છે.
ફિલ્મની કહાની એક એવા પુત્રની છે, જે તેના પિતા સાથેના સંબંધોમાં તિરાડ પડતાં એક મોટા પરિવર્તનમાંથી પસાર થાય છે અને ધીમે ધીમે બદલો લેવાની ભાવનામાં ઉંડો ઉતરતો જાય છે. ફિલ્મમાં રણબીર કપૂર સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં હતાં. આ એક બ્લોકબસ્ટર ફિલ્મ રહી હતી.SS1MS
