કરણ જોહરે ગુજરાતી ફિલ્મ લાલોના ડિરેક્ટર અંકિતના વખાણ કર્યા
મુંબઈ, ગુજરાતી સિનેમા રાષ્ટ્રીય સ્તરે સતત પોતાની મજબૂત હાજરી નોંધાવી રહ્યું છે. તાજેતરમાં લાલો ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયાએ કરણ જોહરની મુલાકાત લીધી હતી, જેની તસવીરો તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
લાલોએ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો અને આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની. ત્યાર બાદ હવે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ ચુકી છે. પ્રથમ ફિલ્મથી મોટી સફળતા મેળવનાર અંકિત સખિયા માટે આ મુલાકાત ભાવનાત્મક અને તેના કામની નોંધ લેનારી બની રહી હતી. મુલાકાત બાદ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાગણી વ્યક્ત કરતા અંકિતે લખ્યું, “આજે મને સમય આપી મળવા બદલ કરણ જોહર સાહેબનો દિલથી આભાર.
પ્રથમવાર દિગ્દર્શક તરીકે આ ક્ષણ મારા હૃદયમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાતી સિનેમા અને ફિલ્મમેકર તરીકે આત્મવિશ્વાસના મહત્વત અંગે થયેલી અમારી ચર્ચા મારા માટે બહુ અર્થપૂર્ણ રહી. ગુજરાતી ફિલ્મો અને અમારી ઇન્ડસ્ટ્રી માટે આપની પ્રશંસા ખરેખર ઉત્સાહ વધારનારી છે.
‘લાલો’ની સમગ્ર ટીમ તરફથી ફરી એકવાર આભાર.”જ્યારે પ્રાદેશિક સિનેમાઓ ભાષા અને વેપારની સીમાઓ તોડી રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે, ત્યારે કરણ જોહરની આ પ્રસંશા મહત્વની બની ગઈ છે.
આ ફિલ્મે ફરી એકવાર સાબિત કર્યું કે સંસ્કૃતિમાં મૂળભૂત અને દ્રઢ આત્મવિશ્વાસ ધરાવતી ફિલ્મ પોતાના મૂળ વિસ્તારથી બહાર પણ દર્શકોના દિલ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.લાલોની સફળ સિનેમેટિક યાત્રા આગળ વધતી રહે છે, ત્યારે કરણ જોહર અને અંકિત સખિયાની મુલાકાત એક પ્રતીકાત્મક ક્ષણ તરીકે ઉભરી આવી છે — જે ગુજરાતી સિનેમાપ્રતિ વધતા સન્માન અને ભારતીય ફિલ્મ જગતમાં તેના વિકસતા સ્થાનનું પ્રતિબિંબ છે.SS1MS
