Western Times News

Gujarati News

ઝઘડિયાના ઉમલ્લાના પટેલ ફળિયાના બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદી ના ઘરેણા અને રોકડની ચોરી

ઉમલ્લા પોલીસની નિષ્ક્રિયતાનો ફાયદો ઉઠાવી ૪.૪૨ લાખ નો હાથફેરો. 
ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લાના પટેલ ફળિયામાં રહેતા મીનાક્ષીબેન પટેલના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો ઘરનું મુખ્ય તાળું તોડી સાત તોલાથી વધુના સોનાનાં ઘરેણાં,ચાંદીના ઘરેણાં, રોકડા રૂપિયાની ચોરી કરી ગયા છે.ચોરોએ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૪,૪૨,૫૦૦ ની મત્તાની ચોરી કરી ઉમલ્લા પોલીસની નિષ્ક્રિયતાનો ફાયદો ઉઠાવ્યો છે.

ઝઘડિયા તાલુકામાં છેલ્લા ઘણા સમય થી ઘરફોડ ચોરી કરતા ચોર ટોળકી સક્રિય થઈ છે.એક પછી એક તાલુકાના અલગ અલગ ગામોમાં ચોરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં,રોકડા રૂપિયાની ચોરી કરી રહ્યા છે.ઝઘડિયા અને રાણીપુરા ની ચોરીની ઘટના હજી તાલુકાવાસીઓ માટે તાઝી જ છે ત્યારે ઉમલ્લા ગામની વચ્ચો વચના ફળિયા માંથી બંધ મકાનને નિશાન બનાવી સાત તોલાથી વધુ સોનાનાં ઘરેણાં ની ચોરીએ તાલુકાવાસીઓને ફરીથી ભયભીત કરી દીધા છે.

ઉમલ્લાના પટેલ ફળિયામાં રહેતા મીનાક્ષીબેન અરવિંદભાઈ ગતરોજ માલસર ગામે રહેતી તેમની માતાના ખબર અંતર પૂછવા તેમના પતિ અરવિંદભાઈ સાથે  ત્યાં ગયા હતા. રાત્રે ઘણું મોડું થયું હોઈ તેઓ માલસર ખાતે જ રોકાઈ ગયા હતા. વહેલી સવારે ઉમલ્લા ખાતે તેમના મકાનની સામે રહેતા ગાયત્રીબેન નો ફોન આવ્યો હતો કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને તેનો નકુચો તૂટેલો છે તેમ જણાવતા મીન ક્ષીબેનનો પુત્ર નયનભાઈ ઉમલ્લા ઘરે આવીને તપાસતા ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને સમાન વેરવિખેલ પડેલ હતો.તિજોરીના દરવાજા અને અંદર નું લોકર પણ ખુલ્લા હતા,

તિજોરીમાં મુકેલ સોનાની જણસો બે મંગલ સૂત્રો,એક સોનાનો અછોડો,ત્રણ સોનાના સિક્કા, બે સોનાની બંગડી,ત્રણ જોડી સોનાની બુટ્ટી,એક સોનાની વીંટી,ચાંદીના ઝાંઝર,ચાંદીના છડા,ચાંદીના સેટ અને રોકડા રૂપિયા ૧૨,૫૦૦ તપાસ કરતા જણાયેલ નહોતા જેથી કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાનું જણાયું હતું.ચોર ઈસમો સોના ચાંદીના ઘરેં અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૪,૪૨,૫૦૦ નો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા. ચોરીની ઘટના સંદર્ભે મીનાક્ષીબેન અરવિંદભાઈ પટેલે ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉમલ્લા પોલીસે ફરિયાદના આધારે ડોગ સ્કોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ઉપરાછાપરી થતી ઘરફોડ ચોરી ની ઘટનાઓ પરથી ફલિત થાય છે કે પોલીસ ગુનેગારોને ડામવામાં નિષ્ફળ રહી છે.ચોરી બાદ પોલીસ ચોરો સુધી પહોંચી શકતી નથી તે ઝઘડિયા અને રાણીપુરીની મોટી ચોરી પરથી સાબિત થાય છે.જીલ્લા પોલીસની એલસીબી અને એસઓજી પણ ઝઘડિયા પંથકમાં પરકેલા ચોરો ને ડામવામાં નિષ્ફળ રહી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.