બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ શરૂ કરાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતા મહત્ત્વપૂર્ણ શાહીબાગ અંડર બ્રિજને આજથી (૨૮મી જાન્યુઆરી) વાહનચાલકો માટે ફરીથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અપેક્ષિત ગતિ કરતા વધુ ઝડપથી પૂર્ણ કરવામાં આવતા આ સફળતા મળી છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, આ બ્રિજ જે સમયે ખુલવાનો હતો, તેના કરતા આશરે ૧૬ કલાક અગાઉ જ ટ્રાફિક માટે કાર્યરત કરી દેવાતા એરપોર્ટ તરફ જતા મુસાફરો અને સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, બુલેટ ટ્રેનના ગર્ડર લોÂન્ચંગ જેવી જટિલ કામગીરી માટે આ અંડર બ્રિજ ગત ૨૩મી જાન્યુઆરીથી ૫ દિવસ માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના આયોજન મુજબ આ માર્ગ ૨૮મી જાન્યુઆરીની મધરાતે ૧૨ કલાકે શરૂ થવાનો હતો, પરંતુ તંત્રની સતર્કતા અને ઝડપી કામગીરીને લીધે ૨૮મી જાન્યુઆરીની વહેલી સવારથી જ અહીં વાહનોની અવરજવર શરૂ કરી દેવાઈ છે.
આ નિર્ણયને કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાંથી એરપોર્ટ તરફ જતા હજારો વાહનચાલકોને હવે લાંબા અંતરના ફેરા અને સમયના વેડફાટમાંથી મુક્તિ મળી છે. છેલ્લા પાંચ દિવસથી અંડર બ્રિજ બંધ હોવાને કારણે વાહનચાલકોને ગિરધરનગર રેલવે ઓવર બ્રિજ અને ડફનાળા રિવરફ્રન્ટ જેવા વૈકલ્પિક રૂટ પરથી પસાર થવું પડતું હતું,
જેને પરિણામે આ વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. સુભાષ બ્રિજ પર પણ હાલ કામગીરી ચાલતી હોવાથી વાહનચાલકો બેવડી મુશ્કેલી અનુભવી રહ્યા હતા, પરંતુ શાહીબાગ અંડર બ્રિજ અચાનક વહેલો શરૂ થઈ જતાં શહેરના ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે.
