ભરૂચમાં જીલ્લા પંચાયતના હરિ રત્ન કોમ્પલેક્ષમાં આવેલી બે દરગાહ સહિત કોમ્પલેક્ષનું ડિમોલેશન હાથ ધરાયું
કોમ્પલેક્ષનની દુકાનો તોડવાની કામગીરી પણ હાથ ધરાઈઃ લાખો રૂપિયાના ખર્ચે બનેલ શોપિંગ કોમ્પલેક્ષ વર્ષોથી બિન ઉપયોગી પડી રહ્યું હતું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકના સ્ટેશન રોડ પર આવેલ શોપિંગ કોમલેક્ષમાં આવેલી બે દરગાહોને વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવી હતી.જ્યાં આગામી દિવસોમાં ૨૨ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ સાથે શોપિંગનું નિર્માણ થનાર છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ જિલ્લા પંચાયતના હરિરત્ન શોપિંગ સંકુલની હદમાં બાલાપીર–માસુમપીર નામની બે દરગાહો આવેલી હતી.આ દરગાહોને હટાવવા માટે અગાઉ જિલ્લા પંચાયત દ્વારા તેઓના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી.
નોટિસ બાદ વહેલી સવારે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ,શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ,બે પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોની હાજરીમાં બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી પ્રથમ બંને દરગાહોને તોડી પાડી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ લાખોના ખર્ચે બનાવવામાં આવેલા અને વર્ષોથી બંધ હાલતમાં રહેલા ૩૬ દુકાનોના શોપિંગ કોમ્પલેક્ષને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જ્યાં આગામી દિવસોમાં વિકાસના કાર્ય હાથ ધરવામાં આવનાર છે જેમાં ૨૨ કરોડના ખર્ચે અત્યાધુનિક રેસ્ટ હાઉસની સાથે શોપિંગ સેન્ટર બનાવવામાં આવનાર છે જે ભરૂચવાસીઓનો સુવિધામાં વધારો કરશે.
વહેલી સવારે કરવામાં આવેલ ડિમોલેશનને લઈને જીલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસડીયાએ જણાવ્યું હતું કે આ મામલે દરગાહના ટ્રસ્ટી હાઈકોર્ટમાં ગયા હતા જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. જોકે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો.
જે અંગેની કાનૂની પ્રક્રિયા પણ ખારીજ કરવામાં આવી હતી.જેના પગલે વિકાસના કાર્યમાં નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવ્યા છે અને અહીં આવનાર દિવસોમાં ૨૨ કરોડના ખર્ચે અત્યાધુનિક રેસ્ટ હાઉસ ની સાથે સાથે શોપિંગ સેન્ટર પણ બનાવવામાં આવનાર છે જેથી આગામી દિવસોમાં ભરૂચવાસીઓને તેનો ફાયદો મળનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા પંચાયત હસ્તકની જંબુસર,રાજપારડી ના ગામોમાં આવેલ જગ્યાઓ પરના દબાણો પણ દૂર કરી વિકાસના કાર્ય હાથ ધરવામાં આવશે જેથી પંચાયતની આવકમાં વધારો થશે.
