10.55 લાખની કિંમતના 21 કિલો લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના સાગવાડા ગામેથી પંચમહાલ–ગોધરા એસ.ઓ.જી. તથા મોરવા(હ) પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કિ.રૂ. ૧૦.૫૫ લાખના લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
સંદિપ સિંહ, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ–ગોધરા રેન્જ તથા ડૉ. હરેશભાઈ દુધાત, પોલીસ અધિક્ષક, પંચમહાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા એસ.ઓ.જી. દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અનુસંધાને એસ.ઓ.જી. પંચમહાલ–ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.કે. ગોહિલ, પી.એસ.આઈ. ડી.જી. વહોનીયા તથા એસ.ઓ.જી. સ્ટાફ મોરવા(હ) પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરવા(હ) તાલુકાના સાગવાડા ગામે રાવત ફળીયામાં રહેતા મનહરભાઈ લક્ષ્મણભાઈ નિનામાના કબ્જા ભોગવટાના ખેતરમાં ઝડતી હાથ ધરવામાં આવી હતી.
ઝડતી દરમ્યાન ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંગ-૦૬ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારીને સ્થળ પર બોલાવી ગાંજાના છોડનું પરીક્ષણ તથા વજન કરાવતા કુલ વજન ૨૧.૧૦૦ કિલોગ્રામ થયું હતું, જેની અંદાજીત કિંમત કિ.રૂ. ૧૦,૫૫,૦૦૦/- થાય છે. તમામ મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ મોરવા(હ) પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
