હાઈકોર્ટે કોંગી નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય સહિત ૧૦ના જામીન ફગાવ્યા
નવી દિલ્હી, ભરૂચ જિલ્લાના મનરેગા યોજનાના કામોમાં આચરવામાં આવેલા ૭.૫૦ કરોડ રૂપિયાના મસમોટા કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
હાઇકોર્ટે સ્થાનિક કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને સરકારી અધિકારીઓ સહિત કુલ ૧૦ આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી છે. જસ્ટિસ પી.એમ. રાવલે તમામ આરોપીઓને આગામી ૧૬મી ફેબ્›આરી ૨૦૨૬ સુધીમાં સરેન્ડર થવા ફરમાન કર્યું છે.
સરકારી વકીલ હાર્દિક દવેએ અદાલતમાં રજૂઆત કરી હતી કે આરોપીઓએ અત્યંત વ્યવસ્થિત રીતે કાવતરું રચીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. હીરા જોટવા અને તેમના પુત્રએ બોગસ ડમી ફર્મ બનાવીને મનરેગાના કામોના ટેન્ડરો મેળવ્યા હતા. કાગળ પર વધુ માલ બતાવી વાસ્તવમાં ઓછો માલ સપ્લાય કરી કરોડોની ઉચાપત કરી હતી.
સ્થાનિક મજૂરોને બદલે પોતાના માણસોના નામે ખાતા ખોલાવી, તેમની પાસબુક અને એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મજૂરોના પૈસા પણ ચાંઉ કરી ગયા હતા.રાજ્ય સરકાર દ્વારા કોર્ટને જણાવાયું હતું કે, ભરૂચ જિલ્લાના ૫૬ ગામોમાં કુલ ૪૩૦ મનરેગા કામો પૈકી હજુ માત્ર ૯૮ કામોની તપાસમાં કરોડોની ખાયકી બહાર આવી છે.
હજુ ૩૩૨ કામોની તપાસ બાકી છે, જેમાં કૌભાંડનો આંકડો મોટો થવાની પૂરી શક્યતા છે. આરોપીઓ વગદાર હોવાથી જો તેઓ બહાર રહે તો પુરાવા સાથે ચેડાં થવાની દહેશતને ધ્યાને રાખી હાઇકોર્ટે જામીન આપવાનો સાફ ઇનકાર કર્યાે હતો.
અગાઉ નીચલી કોર્ટે આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે ભરૂચ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા હતા. આ રદ કરવાના હુકમ સામે આરોપીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા, પરંતુ હાઇકોર્ટે સેશન્સ કોર્ટના હુકમને યોગ્ય ઠેરવી રિવીઝન અરજીઓ ફગાવી દીધી છે.SS1MS
