ભારત-ઈયુ વચ્ચેનો એફટીએ વિશ્વ માટે ‘ગેમ-ચેન્જર ડીલ’: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત અને ઈયુ વચ્ચે થયેલી ઐતિહાસિક મુક્ત વેપાર સમજૂતી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપશે અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના સંકલ્પને મજબૂત બનાવશે. તેનાથી લાખો ભારતીય યુવાનો માટે અસંખ્ય તકો પણ ખુલશે.
દિલ્હી કેન્ટોનમેન્ટ ખાતે વાર્ષિક નેશનલ કેડેટ કોર્પ્સના કાર્યક્રમમાં પીએમએ જણાવ્યું હતું કે વિશ્વ ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના કરારને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવીને પ્રશંસા કરી રહ્યું છે.
આ કરાર ભારતીય યુવાનો માટે આકાંક્ષાની સ્વતંત્રતા સમાન છે. તેને વિશ્વ અને ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે ‘ગેમ-ચેન્જર ડીલ’ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. આ સમજૂતીથી ફિલ્મ, ગેમિંગ, ફેશન, ડિજિટલ કન્ટેન્ટ, સંગીત અને ડિઝાઇન સહિત સર્જનાત્મક અર્થતંત્રને લાભ થશે.
યુવાનો તથા આઇટી અને બીજા પ્રોફેશનલ્સ માટે પણ અસંખ્ય તકો ઉપલબ્ધ થશે.મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપશે અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ના સંકલ્પને મજબૂત બનાવશે. આ કરાર મુજબ ભારતની ૯૯ ટકાથી વધુ નિકાસ પર ટેરિફ શૂન્ય અથવા ખૂબ જ ઓછો રહેશે, જેનાથી ટેક્સટાઇલ્સ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, ફૂટવેર, એન્જિનિયરિંગ ગૂડ્સ તથા લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો જેવા ઉદ્યોગોને ફાયદો થશે.
આ સમજૂતીથી યુરોપના ૨૭ દેશોના વિશાળ બજારમાં ભારતના કારીગરો અને નાના ઉદ્યોગસાહસિકોને પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરવાની સીધી તક મળશે.વડાપ્રધાને જણાવ્યું હતું કે આ સોદો ભારતમાં વધુ રોકાણ લાવશે, જેનાથી એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ, ફાર્મા સહિતના ક્ષેત્રોમાં નવા પ્લાન્ટ્સની સ્થાપના થશે. બીજી તરફ કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને ફિશરી જેવા ક્ષેત્રોને બજાર મળશે. એફટીએ ભારતના યુવાનોને યુરોપના રોજગાર બજાર સાથે સીધા જોડે છે.SS1MS
