વિકસિત ભારત માટે મતભેદો ભૂલી એક થાવઃ રાષ્ટ્રપતિ મૂર્મુ
નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં કરેલા અભિભાષણ સાથે બજેટ સત્રનો સત્તાવાર પ્રારંભ થયો છે. બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે અને ૨જી એપ્રિલ સુધી સત્ર ચાલશે. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારત, સ્વદેશી ચળવળ તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે તમામ પક્ષોના સાંસદોને મતભેદો ભૂલીને એક થવા આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત તેમણે ભાષણમાં વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી અને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યાે હતો. દ્રૌપદી મુર્મૂએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીને યાદ કરીને જણાવ્યું કે, લોકશાહીમાં મતભેદ સ્વાભાવિક છે પરંતુ કેટલાક વિષયો તેનાથી ઉપર છે.
સરકાર ૨૦૪૭માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશથી સુધારાવાદી વલણને આગળ ધપાવશે તેમ તેમણે ઉમેર્યું હતું.સરકાર સંસદના બજેટ સત્રમાં કેટલાક મહત્વના બિલો રજૂ કરવાની તૈયારીમાં છે, જ્યારે વિપક્ષ આર્થિક અને સામાજીક મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની રણનીતિ ઘડી રહ્યો છે.
દેશભરમાં વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે. સંસદમાં આ વિષય પર ચર્ચા બદલ તેમણે સાંસદોની સરાહના કરી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે કાઠું કાઢ્યું છે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ એક લાખ કરોડ મૂલ્યના સ્માર્ટફોનનું ઉત્પાદન થયું તેમજ નિકાસ નોંધાઈ હતી.
આ ક્ષેત્રમાં એક દાયકાથી વધુ સમયમાં ૨૫ લાખ નવી રોજગારીનું સર્જન થયું હોવાનું રાષ્ટ્રપતિ મુર્મૂએ જણાવ્યું હતું. આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના અંતર્ગત ગત વર્ષ સુધીમાં ૧૧ કરોડ લોકોને મફત ચિકિસ્તા સારવાર અપાઈ હોવાનું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. ગત એક વર્ષમાં જ ૨.૫ કરોડ લોકોને નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થઈ હતી. વિતેલા દોઢ વર્ષમાં આશરે એક કરોડ આયુષ્યમાન વય વંદના કાર્ડ ઈશ્યુ કરાયા હતા.
જેના થકી આઠ લાખ વરિષ્ઠ નાગરિકોને મફત આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ હતી. સરકારે ગરીબોને આવાસ મળી રહે તે હેતુથી એક દાયકામાં આશરે ચાર કરોડ પાકા મકાનો તૈયાર કર્યા હતા. ગત વર્ષે ૩૨ લાખ મકાનો સંલગ્ન માલિકોને સોંપવામાં આવ્યા હતા. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ૭૨ લાખ શેરી વિક્રેતાઓને શ્૧૬ હજાર કરોડની નાણાકીય મદદ કરાઈ હતી.
સમૃદ્ધ ખેડૂતો અને ખેત ઉત્પાદનો જ વિકસિત ભારતનો મુખ્ય સ્તંભ છે તેમ દ્રૌપદી મુર્મૂએ તેમના અભિભાષણમાં ઉમેર્યું હતું. વિતેલા વર્ષાેમાં દેશમાં વિક્રમી કૃષિ ઉત્પાદન થયું હોવાનું તથા મહત્વના કૃષિ ઉત્પાદનો પર આયાત શુલ્ક ઘટાડવાના પ્રયાસો બદલ સરકારની પ્રશંસા કરી હતી. ભારતમાં ગત વર્ષે ૩૫ કરોડ ટન અનાજની ઉપજ થઈ હતી. ચોખાનું ઉત્પાદન ૧૫ કરોડ ટન સાથે વિશ્વમાં સૌથી વધુ રહ્યું હતું.SS1MS
