દેરાણીની હત્યાના ગુનામાં દોષિત ઠરેલી જેઠાણીને નિર્દાેષ છોડવા હાઇકોર્ટનો હુકમ
અમદાવાદ, હત્યાના ગુનામાં દોષિત ઠરેલી જેઠાણીને હાઇકોર્ટે નિર્દાેષ છોડવાનો હુકમ કર્યાે છે. સુરતની સેશન્સ કોર્ટે દેરાણીની હત્યા કરી ઉપર એસિડ છાંટવાના ગુનામાં જેઠાણીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે આરોપી જેઠાણીએ હાઇકોર્ટમાં અપીલ કરતા હાઇકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરીને જેઠાણીને નિર્દાેષ છોડી છે.
વર્ષ ૨૦૧૬માં સુરતની સેશન્સ કોર્ટમાં આ ઘટનાનો કેસ દાખલ થયો હતો. જેમાં જેઠાણી ઉપર દેરાણીની હત્યા કરવાના ગુનાની ટ્રાયલ ચાલી હતી. વર્ષ ૨૦૧૯માં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપતા જેઠાણીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ કેસની વિગત એવી છે કે દેરાણી અને જેઠાણી વચ્ચે ઘરેણાં બાબતે બોલાચાલી થતી હતી. એક દિવસ જ્યારે દેરાણી ઊંઘતી હતી. ત્યારે જેઠાણી તેની ઉપર ધોકો લઈને તૂટી પડી હતી અને તેને માથામાં ગંભીર ઇજાઓ કરી હતી. દેરાણી મૃત્યુ પામતા તેની ઉપર એસિડ છાંટીને તેનું એસિડ પીવાથી મૃત્યુ પામી હોવાનું નાટક કર્યું હતું.
બાદમાં તેના શરીર પરથી ઘરેણાં ઉતારી લીધા હતા. મૃતકના પિયરિયાને આ અંગે જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં મૃતકના મોઢાના ભાગે ઈજાઓ, તેમજ આરોપી જેઠાણીના શરીરની ઇજાઓ અને દાઝેલા હાથ જોઈને શંકા ગઈ હતી. તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે ૨૦ સાહેદો અને ૩૮ પુરાવાને આધારે જેઠાણીને સજા ફટકારી હતી. સાથે જ એવી બાબત પણ સામે આવી હતી કે આરોપી જેઠાણીને તેના દિયર એટલે કે મૃતકના પતિ સાથે આડાસંબંધ હતા.
મકાનની લિફ્ટના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી મહિલા એસિડની બોટલ લઈને આવતી હોવાનું દેખાતું હતું. દેરાણી- જેઠાણી વચ્ચે ઝઘડા થતા હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી અને મૃતક છેલ્લે બંને સાથે હતા. જેઠાણીએ કહ્યું હતું કે ખૂબ જ ગરમ પાણીના કારણે તે દાઝી હતી. જે ધોકા દ્વારા હત્યા કરાઈ હતી તેને કબજે કરવામાં આવ્યો હતો. તેની ઉપરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા.
મૃતકના ઘરેણાં પણ આરોપીએ જ આપ્યા હતા. હાઇકોર્ટે અપીલમાં આદેશ કરતાં નોંધાયું હતું કે જે ધોકા વડે હત્યા કરવામાં આવી તેની ઉપર કોઈ ફિંગર પ્રિન્ટ નહોતા. સીસીટીવી ૧૭ દિવસ બાદ રજૂ કરવામાં આવ્યા હતા. હથિયાર અને જ્વેલરીની રિકવરીમાં પંચનામું અને પ્રોસેસ સંતોષકારક નહોતા.
જ્વેલરીને કારણે ઝઘડો થયો હોવાનું લાગી રહ્યું હતું. જ્યારે આરોપીનું કહેવું હતું કે તે જેઠાણીને બચાવતી વખતે દાઝી ગઈ હતી. ડીએનએ પ્રોફાઈલ કરવામાં આવી નહોતી. ફક્ત સંભાવનાને આધારે જેઠાણીને સજા કરવી યોગ્ય નથી. આ સાથે જ હાઇકોર્ટે જેઠાણીની અપીલ ગ્રાહ્ય રાખીને તેની સજા રદ કરી હતી.SS1MS
