રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ત્રીજા માળેથી પટકાયેલા વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ
રાજકોટ, રાજકોટની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ગઈકાલે સાંજે ધોરણ ૧૧માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે સાંજે ૪ ૪૫ વાગ્યાના અરસામાં જ્યારે શાળામાં ટ્યુશન ક્લાસિસ ચાલી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
સદનસીબે નીચે પડતી વખતે વિદ્યાર્થીએ દીવાલ પર લગાવેલા એસીના આઉટડોર યુનિટને મજબૂતીથી પકડી લેતા તેનો જીવ બચ્યો હતો. આ ગંભીર મામલે શાળા સંચાલકોએ પોલીસને જાણ ન કરતા અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇન્કાર કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાર્થી ત્રીજા માળે મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે અચાનક બારીમાંથી નીચે પટકાયો હતો. એસી યુનિટ પકડી લીધા બાદ તે ધીમેથી નીચે પેરાપેટ પર ઉતરી ગયો હતો જેમાં તેને હાથના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેના પરિવારજનો વતન લઈ ગયા છે.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ આ ઘટનાને સામાન્ય અકસ્માત ગણાવી હતી અને શિક્ષકના ત્રાસ કે ઓછા માર્ક્સના કારણે આપઘાતનો પ્રયાસ હોવાની વાતોને પાયાવિહોણી ગણાવી નકારી કાઢી હતી.શાળા મેનેજમેન્ટે સુરક્ષાના પૂરતા સાધનો હોવાનો દાવો કર્યાે છે પરંતુ ગંભીર ઘટના બની હોવા છતાં પોલીસને કેમ જાણ ન કરી તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.SS1MS
