ભગવાન દ્વારકાધીશના દર્શન અર્ચન કરીને રાજ્યના સર્વાંગી કલ્યાણની પ્રાર્થના કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન દ્વારકાધીશના દર્શને
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના ભગવાન દ્વારકાધિશ ના શ્રી ચરણોમાં કરી હતી.
તેમણે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

