અમદાવાદના ઘીકાંટામાં જર્જરિત મકાન ધરાશાયી, મહિલાનું મોત
(તસવીર: જયેશ મોદી) અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં આવેલા ઘી કાંટાની નવતાડની પોળમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત હાલતમાં રહેલું એક મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ કરુણ બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હતા.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મકાન ધરાશાયી થવાની સાથે જ સમગ્ર પોળમાં ધૂળની ડમરીઓ છવાઈ ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા. ઘટના સમયે મકાનની અંદર ૩ થી ૪ વ્યક્તિઓ હાજર હોવાનું જાણવા મળ્યું છે.
મકાન અચાનક નીચે આવતા અંદર રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોતાની રીતે કાટમાળ હટાવવાની કોશિશ કરી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, કોટ વિસ્તારની સાંકડી પોળ હોવાના કારણે ફાયરની ગાડીઓ અને મોટા સાધનો અંદર લઈ જવામાં ભારે હાલાકી પડી હતી.
આમ છતાં, ફાયરના જવાનોએ અત્યાધુનિક કટર્સ અને અન્ય સાધનોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી બચાવ કામગીરીમાં અવરોધ ન આવે તે માટે પોલીસનો કાફલો પણ નવતાડની પોળમાં ઉતારી દેવાયો હતો. પોલીસ દ્વારા આસપાસના અન્ય જર્જરિત મકાનોને પણ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કોટ વિસ્તારમાં આવા અનેક જોખમી મકાનો આવેલા છે, જે દર ચોમાસે કે સામાન્ય સંજોગોમાં પણ લોકો માટે કાળમુખા સાબિત થઈ રહ્યા છે.
