Western Times News

Gujarati News

હિંમતનગરથી હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, ૩.૬ લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ

નવજાત શિશુની સંભાળ માટે આરોગ્ય અધિકારીને સોંપવામાં આવ્યું

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસએ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં હિંમતનગરથી ખરીદેલું એક નવજાત શિશુને હૈદરાબાદમાં વેચવા જતી એક મહિલા સહિત ત્રણ શખ્સને ઝડપી પાડ્‌યા છે. મહત્વનું છે કે અત્યારે નવજાત શિશુની સંભાળ માટે આરોગ્ય અધિકારીને સોંપવામાં આવ્યું છે. હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી નવજાત શિશુ ૩,૬૦,૦૦૦માં ખરીદ્યું હતું.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી જે ગઈકાલે ૨૮ જાન્યુઆરીના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરવામાં આવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ નજીક આવેલા કોતલપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી આર્ટિગા કારને અટકાવવામાં આવી હતી.

જેમાં તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આ પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મૂળ ઉત્તરપ્રદેશની અને અમદાવાદના ઓઢવમાં રહેતી ૩૪ વર્ષીય વંદનાબેન પંચાલ નામની મહિલા, મૂળ રાજસ્થાનના ઝૂંઝુનુનો અને હૈદરાબાદમાં રહેતો ૪૨ વર્ષીય રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ, ેંઁના સુલતાનપુરનો અને વટવામાં રહેતો ૨૭ વર્ષીય સુમિત યાદવ અને કાર ચાલક ૩૨ વર્ષીય મૌલિક દવેની ધરપકડ કરી છે અને નવજાત શિશુને બચાવી લીધું છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ તમામ લોકોની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂપિયા ૩,૬૦,૦૦૦માં ખરીદ્યું હતું અને બાળકને હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને વેચવા જઈ રહ્યા હતા.

બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી ચેકઅપ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.

પોલીસે આ ઓપરેશનમાં ૧૦,૦૫૦ રૂપિયા રોકડ, ચાર મોબાઈલ ફોન (કિંમત ૫૫,૦૦૦ રૂપિયા) અને એક કાર જપ્ત કરી છે. આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેસ્ક્યૂ કરાયેલા નવજાત શિશુને તાત્કાલિક સારવાર અને તબીબી તપાસ માટે ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. હાલમાં પોલીસ આ રેકેટમાં જોડાયેલા અન્ય વચેટિયાઓ અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.