વડોદરાના કરજણ નેશનલ હાઈવે ૪૮ પર ભયંકર અકસ્માત થયો
વડોદરા, વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-૪૮ પર શુક્રવારે (૩૦મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ૨ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત એટલો ભિષણ હતો કે, બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ૨૫ થી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. કરજણ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને બસના પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. બસમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ દોડી આવી હતી. ૧૦ જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કરજણ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક કે બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યાે હતો.SS1MS
