‘પરમાણુ સુરક્ષા કવચ’ જર્મની જાતે તૈયાર કરશે
નવી દિલ્હી, ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓએ યુરોપમાં ખળભળાટ મચાવ્યો છે, જેનો જવાબ આપવા માટે જર્મની હવે પરમાણુ શક્તિના ક્ષેત્રમાં મોટી હલચલ મચાવવાની તૈયારીમાં છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો અને યુરોપની સુરક્ષા ગેરેંટી પર સવાલો ઉઠાવીને સમગ્ર યુરોપને એલર્ટ કરી દીધું છે. ટ્રમ્પનું કહેવું છે કે જે દેશો પોતાની સુરક્ષા પર પૂરતો ખર્ચ નથી કરતા, અમેરિકા તેમની રક્ષા નહીં કરે. આ ઉપરાંત, ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની વાતોએ યુરોપિયન દેશોના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે.
આ ‘સિક્યોરિટી બ્લેકમેલ’ અને અવિશ્વાસના વાતાવરણને કારણે જર્મનીએ હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને સ્વનિર્ભર બનવાનું નક્કી કર્યું છે.જર્મન ચાન્સેલર ળેડરિક મર્ઝે સંકેત આપ્યો છે કે હવે સમય આવી ગયો છે કે સમગ્ર યુરોપિયન યુનિયન એક સંયુક્ત પરમાણુ સુરક્ષા કવચ હેઠળ આવે. જર્મની આ માટે ળાન્સ અને બ્રિટન સાથે મળીને કામ કરવા માંગે છે. ચાન્સેલર મર્ઝનું માનવું છે કે અમેરિકા સાથેની વર્તમાન સુરક્ષા વ્યવસ્થાનો એક મજબૂત વિકલ્પ તૈયાર કરવો અનિવાર્ય છે.
જોકે, આ ચર્ચા અત્યારે શરૂઆતી તબક્કામાં છે, પરંતુ તેનો હેતુ યુરોપની સુરક્ષાને અમેરિકાની મરજી પર છોડવાને બદલે મજબૂત બનાવવાનો છે.જર્મની પર ૧૯૯૦ની ‘ફોર પ્લસ ટુ’ અને ૧૯૬૯ની ‘પરમાણુ અપ્રસાર સંધિ’ હેઠળ પોતાના પરમાણુ હથિયાર બનાવવા પર પ્રતિબંધ છે. પરંતુ ચાન્સેલર મર્ઝે આનો એક કૂટનીતિક રસ્તો શોધ્યો છે.
તેમનું કહેવું છે કે જર્મની પોતે બોમ્બ નહીં બનાવે, પરંતુ બ્રિટન અને ફ્રાન્સ જેવા પરમાણુ શક્તિ સંપન્ન ભાગીદારો સાથે મળીને તેમના હથિયારોને ‘યુરોપિયન એસેટ’ તરીકે વાપરવાની રણનીતિ પર કામ કરી શકાય છે. આ રીતે જર્મની આંતરરાષ્ટ્રીય સંધિઓનું ઉલ્લંઘન કર્યા વિના પણ પરમાણુ સુરક્ષા મેળવી શકશે.
જર્મની પાસે ભલે મિસાઈલ કે વોરહેડ્સ ન હોય, પરંતુ તેની પાસે ઉચ્ચ સ્તરની ટેકનિકલ ક્ષમતા છે. સંસદીય સંરક્ષણ સમિતિના વડા થોમસ રોવેકેમ્પે દાવો કર્યાે છે કે જર્મની આ તકનીકી લાભનો ઉપયોગ સંયુક્ત યુરોપિયન પહેલમાં યોગદાન આપવા માટે કરી શકે છે. આ બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો સૂચવે છે કે બર્લિન હવે વોશિંગ્ટનની ધમકીઓ સામે ઝૂકવાને બદલે આત્મનિર્ભરતાનો નવો માર્ગ કંડારી રહ્યું છે.SS1MS
